કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે વટવામાં ભારતના પ્રથમ આધુનિક ફેન્ટોન કેટાલિક રિએક્ટર્સ પ્લાન્ટનું વર્ચુઅલ લોકાર્પણ
સમગ્ર દેશમાં ગુજરાત અદ્યતન ટેક્નોલોજીને અપનાવવામાં અગ્રેસર જોવા મળી રહ્યું છે. વિશેષ રીતે પર્યાવરણ સંરક્ષણ બાબતને ધ્યાનમાં રાખી નવીન ટેક્નોલોજીને હંમેશા ગુજરાતમાં આવકાર મળી છે, ત્યારે આજે તારીખ 25 જૂનના રોજ ધ ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ ખાતે ભારતના પ્રથમ એવા આધુનિક ફેન્ટોન કેટાલિક રિએક્ટર્સ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંપૂર્ણ નોર્મ્સને આવરી લેવાના ઉદ્દેશ સાથે રૂપિયા 70 કરોડના ખર્ચે 30 એમએલડીની ક્ષમતા ઘરાવતા આ આધુનિક ફેન્ટોન કેટાલિક રિએક્ટર્સ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે. જેનું વર્ચુઅલ લોકાર્પણ ભારત સરકારના વન, પર્યાવરણ અને ક્લાયમેટ ચેંજના કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્લાન્ટના લોકાર્પણથી વટવા જીઆઈડીસીના 700 જેટલા ઉદ્યોગોને લાભ મળશે.
આધુનિક ફેન્ટોન કેટાલિક રિએક્ટર્સ પ્લાન્ટનાં લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર પણ વીડિયો કોન્ફરસિંગના માધ્યમથી જોડાયા હતા. તો ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી, હસમુખભાઇ પટેલ અને જીસીસીઆઈના પ્રમુખ નટુભાઈ પટેલ આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.
આ તકે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે આજે વટવા અને શહેર પાસેપાસે આવી ગયા છે, જેથી પર્યાવરણ સંરક્ષણને લઇને ઉદ્યોગકારો સાથે સતત વાતચીત થતી હોય છે. અને આ પડકારોના સમાધાનને શોધવા માટે સતત કાર્યરત જોવા મળી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે આ ટેક્નોલોજી દ્વારા આપણે સીઓડીનું રિડક્શન કરી ડિસ્ચાર્જ કરાશે તે જીપીસીબીના ધોરણોને હાંસલ કરી શકીશું. ઉદ્યોગના વિકાસની સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી આ આધુનિક ટેકનોલોજી સાથેને એફસીઆર પ્લાન્ટનું લોકાર્પણ વટવા ગ્રીન સોસાયટી દ્વારા એક આવકારદાયક સાહસ છે.
ધ ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના ચેરમેન રમેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન આનંદભાઈ પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ, પંકજભાઈ દધાણિયા, ટેકનીકલ કમિટીના ચેરમેન યોગેશ પરીખ, સેક્રેટરી નિલેષભાઈ દામાણી, જોઇટ સેક્રેટરી જીતેન્દ્રભાઈ દોશી, ટ્રેઝરર નવીનભાઈ પટેલ સહિતના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા અને કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતુ.