ગાંધીનગરમાં ઠંડીનું જોર વધ્યું લઘુત્તમ પારો ૧૫.૯ ડિગ્રી
ગાંધીનગરમાં ઓક્ટોબર માસમાં આટલી ઠંડી પડી નહી હોવાથી નગરવાસીઓને દિવાળી પહેલાં ગરમ વસ્ત્રો પહેરવા પડશે તેમ લાગી રહ્યું છે. લઘુત્તમ પારો ૧૫.૯ ડીગ્રીની સામે મહત્તમ પારો ૩૫.૩ ડીગ્રી નોંધાયો હતો. આથી દિવસે ગરમી અને રાત્રે ઠંડી ડબલ ઋતુનો અનુભવ નગરવાસીઓ કરી રહ્યા છે. ચાલુ વર્ષે ઠંડી પણ દિવાળી કરવા આવી હોય તેમ અત્યારથી શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા દસેક દિવસથી ઠંડીની અસર રાત્રી દરમિયાન અનુભવ થતો હતો. પરંતુ છેલ્લા પાંચેક દિવસથી નગરનો લઘુત્તમ પારો સતત ગગડી રહ્યો છે. આથી આગામી સમયમાં ઠંડીનું જોર વધતા દિપાવલી અને નૂતનવર્ષના તહેવારોમાં નગરવાસીઓને ગરમ વસ્ત્રો પહેરવા પડશે. તેમ વધતી જતી ઠંડી પરથી લાગી રહ્યું છે.
તારીખ ૧૪મી, ઓક્ટોબરના રોજ નગરનું લઘુત્તમ તાપમાન ૨૧.૭ ડીગ્રી નોંધાયું હતું. ત્યારબાદ નગરનો લઘુત્તમ પારો સતત ઘટતો જ ગયો છે. તારીખ ૧૫મી, ઓક્ટોબરે ૧૭.૫ ડીગ્રી, તારીખ ૧૬મી, ઓક્ટોબરે ૧૬.૯, તારીખ ૧૭મી, ઓક્ટોબરે ૧૭.૯ ડીગ્રી, તારીખ ૧૮મી, ઓક્ટોબરે૧૬.૫ ડીગ્રી બાદ લઘુત્તમ પારો ૧૫.૯ ડીગ્રી નોંધાયો છે.