સૌરાષ્ટ્ર-કચ્છ સહીત રાજ્યમાં ઠંડી વધવાની કરાઈ આગાહી
હાલ સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસોથી વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ન્યૂનતમ તાપમાનમાં કોઇ ઘટાડો નહીં આવે. જે બાદ ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના વિસ્તારમાં આગામી ૨૪ કલાક તાપમાનમાં કોઇ ફેરફાર નહીં નોંધાય અને ત્યારબાદના સમયગાળામાં ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં કોલ્ડ વેવની અસર વર્તાવવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા દર્શાવવામાં આવી રહી છે. રાજ્યમાં ૫.૬ ડિગ્રી સાથે સૌથી ઠંડુ નલિયા રહ્યું હતું. આ ઉપરાંત ડીસાનું લઘુત્તમ તાપમાન ૧૦.૫ ડિગ્રી, ગાંધીનગરનું ૧૦ ડિગ્રી, રાજકોટનું ૧૦.૮ ડિગ્રી, પોરબંદરનું ૧૦.૩ ડિગ્રી, સુરતનું ૧૫.૬ ડિગ્રી, વડોદરાનું ૧૩.૮ ડિગ્રી, વલસાડનું ૧૧ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૧.૫ ડિગ્રી, ભુજનું ૧૦.૪ ડિગ્રી, અમદાવાદમાં ૧૧.૬ ડિગ્રી તામમાન નોંધાયુ હતું.
રાજકોટમાં ઠંડીથી વધુ બેનાં મોત, ત્રણ દિવસમાં પાંચનો ભોગ લેવાયો. ગુજરાતીઓનાં મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એકવાર તાપમાનનો પારો ગગડતાં હાડ થીજવતી ઠંડીએ જોર પકડયું છે. બુધવારે માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન માઈનસ ૩.૪ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૧૮ ડિગ્રી નોંધાયુ હતું. માઉન્ટ આબુમાં શીતલહેરને પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. ઠંડીની સૌથી વધુ અસર ગુરુ શિખર અને કુંભારવાડામાં અનુભવાઈ રહી છે. કાતિલ ઠંડી વચ્ચે પણ સહેલાણીઓની ભીડ જોવા મળી હતી. હવામાન વિભાગ અનુસાર દેશમાં આગામી દિવસોમાં હજુ પણ ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમ વર્ષા અને ધુમ્મુસભર્યુ વાતાવરણ જોવા મળશે.
ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદ વરસતા જમ્મુ-કશ્મીરનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જમ્મુ-કશ્મીરમાં ભારે હિમવર્ષાથી હવાઈ અને ટ્રાફિકને મોટી અસર પહોંચી છે. કાશ્મીરમાં બરફવર્ષાથી એક સીઆરપીએફ અધિકારી અને એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. બીજી તરફ દિલ્લીના કેટલાક વિસ્તારોમાં આજે બરફના કરા પડ્યા હતા. જમ્મુમાં ૫૦.૧ મીમી વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે દાયકામાં જમ્મુ-કશ્મીરમાં જાન્યુઆરી પડેલો બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જમ્મુ-કશ્મીરમાં વરસાદ અને બરફવર્ષા થઈ હતી. જ્યારે લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લક્ષ્યદ્વીપ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને દિલ્લીમાં વરસાદ વરસ્યો હતો.