ટ્રકોમાં ભેળસેળ કરી ૯૯.૧૧ લાખનો કોલસો ઓળવાયો
કંડલા-ગાંધીધામથી નિકળતી કોલસા ભરેલી ટ્રકોમાં જતા કોલસા ચોરીનો એક વધુ કારસો નોંધાયો છે ,જેમાં ભારાપરની કંપનીએ અલગ અલગ ટ્રકો મારફત પઠાણકોટ મોકલેલા સારી ગુણવત્તાના સ્ટીમ કોલસામાં ભેળસેળ કરી રૂ.૯૯.૧૧ લાખનો કોલસો ઓળવી જઇ નુકશાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ કંપનીના મેનેજરે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. મુળ ઉત્તરપ્રદેશના હાલે ગાંધીધામ રહેતા અને ડી.બી.ટ્રેડલિન્ક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કેશરીનંદન મૃત્યુંજય દ્વિવેદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની કંપની દક્ષિણ આફ્રિકા અને ઇન્ડોનેશિયાથી વિદેશી કોલસો આયાત કરી ભારાપર પાસે આવેલા કંપનીના ગોડાઉનમાં સંગ્રહ કરી તેના લેબોરેટરી ટેસ્ટ કરી આ કોલસાનો જથ્થો ભારતના અલગ અલગ રાજ્યમાં મોકલવાનું કામ છે.
તા.૩/૯ થી તા.૧૪/૯ દરમિયાન તેમની કંપનીએ ગાંધીધામના આર.એસ.લોજિસ્ટિક ના માલિક રાકેશભાઇ સાથે પઠાણકોટ મોકલવાનો ઓર્ડર નક્કી કર્યો હતો. ભારાપરથી સ્ટીમ કોલસો ભરીને નિકળેલી ટ્રકો નિયત સમયે ન પહોંચતાં આર.એસ.લોજિસ્ટિક ના માલિકનો સંપર્ક કરતાં પહોંચી જશે તેવું આશ્વાસન આપ્યા બાદ એક ટ્રક પહોંચતાં પઠાણકોટ ખાતે સેમ્પલિંગ કર્યું તો ભેળસેળ કરેલી જણાતાં ટ્રક ચાલક બલકરણસિંગ ગદુરસિંગને પુછતાં તેણે ભારાસરથી નીકળ્યા બાદ ભેળસેળ કરવામાં આવી હોવાની કબૂલાત આપતાં બાકીની ટ્રકો પણ રોકાવી સેમ્પલીંગ કરાયું હતું. જેમાં ભેળસેળ કરી સારી ગુણવત્તા ધરાવતો સ્ટીમ કોલસો ચોરી થયો હોવાનું બહાર આવતાં તેમણે ૯ ટ્રક ચાલક, સાચોર રાજસ્થાનના તેજારામ, અનવરખાન, આલમભાઇ અને તપાસમાં જે નિકળે તેમના વિરૂધ્ધ કંપનીને રૂ.૯૯,૧૧,૬૭૭ નું નુકશાન પહોંચાડી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
કંડલાથી ટ્રકમાં નિકળતા આયાતી કોલસાની ટ્રક ચાલકો સાથે મળી અસલ કોલસામાં માટી ભેળસેળ કરી કરાતી ચોરીનું ષડયંત્ર તો વર્ષ-૨૦૨૧ ના ફેબ્રુઆરી માસથી ગાજે છે જેમાં અવાર નવાર ટ્રાન્સપોર્રોનો ગાંધીધામ-કંડલાથી નિકળતા કોલસાના જથ્થાની ભેળસેળને કારણે મોટું નુકશાન પહોંચુ હોવાને કારણે ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોશિયસન દ્વારા ગાંધીધામ, કંડલા મરિન, ભચાઉ, સામખિયાળી, આડેસર અને લાકડિયા પોલીસ મથકે આ બાબતે ફરિયાદ કર્યા બાદ તત્કાલિન પૂર્વ કચ્છ એસપી, પાટણ એસપી ઉપરાંત કચ્છ કલેક્ટર ને તેમજ રાજસ્થાન સુધીના પોલીસ મથકો અને અધીકારીઓને આ બાબતે રજુઆતો કરી સમસ્યામાંથી મુક્ત કરાવવા માગણી કરી ચુક્યા હતા.
ભારાપરથી પઠાણકોટ જવા નીકળેલા સ્ટીમ કોલસો ભરેલા વાહનોમાંથી સારી ગુણવત્તા ધરાવતો કોલસો કાઢી લઇ હલકી ગુણવત્તાનો ભેળસેળ કરી કરવામાં આવેલી કોલસા ચોરીમાં ચાલક બલકરણસિંગે આપેલી કબૂલાતમાં ભારાપરથી રાજસ્થાનના સાંચોર ખાતે આવેલા તેજારામના વાડે ટ્રકો પહોંચી હતી અને ત્યાં જ આ ભેળસેળ કરી સારી ગણવત્તાનો કોલસો ચોરાયો હોવાનું જણાવ્યું હતું. ભારાપરથી સ્ટીક કોલસો લોડ કરી આ જથ્થો સાંચોર તેજારામના વાડે લઇ જવાયો હતો જ્યાં ભેળસેળ કરાઇ હતી અને આ કામ પેટે તેને રૂ.૧૬ હજાર તેજારામે આપ્યા હોવાનું પણ તેણે જણાવ્યું હતું.