સાયખામાં કેમિકલ પ્રદૂષણ માફિયા બેફામ, જળ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ભયાનક, ચારેબાજુ નર્કાગાર જેવી સ્થિતિ
- સાયખા જીઆઈડીસીમાં બેફામ રીતે ફેલાવાઈ રહ્યું છે જળ પ્રદૂષણ
- પ્રકૃતિને પહોંચાડવામાં આવી રહ્યું છે પારાવાર નુક્શાન
- ફીણવાળું લાલ રંગનું પ્રદૂષિત પાણી ગંભીર સમસ્યાઓને આપી રહ્યું છે આમંત્રણ
- ભૂગર્ભજળ સહિત આસપાસના જળ સ્ત્રોતો, જમીન ઉત્પાદકતા અને જીવસૃષ્ટિ માટે ખતરો
ભરૂચઃ રાજ્યમાં જ્યારે પણ વિશાળ ઔદ્યોગિક વસાહતોની વાત આવે ત્યારે ભરૂચ જિલ્લો કેન્દ્ર સ્થાને જોવા મળે છે. જોકે, વિશાળ ઔદ્યોગિક વસાહતો હોવાના પગલે ભરૂચ જિલ્લો ચર્ચાના કેન્દ્રમાં પણ જોવા મળે છે. હાલમાં જ્યારે પર્યાવરણ ટુડેની ટીમ જ્યારે ભરૂચ જિલ્લાની મુલાકાત લઈ રહી હતી, ત્યારે એવા કેટલાંક દ્રશ્ય જોવા મળ્યા, જ્યાં પ્રકૃતિને પારાવાર નુક્શાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
જિલ્લાની સાયખા જીઆઈડીસી વિસ્તારમાં બેફામ રીતે પ્રદૂષણ ફેલાવતા દ્રશ્ય જોઇને એક પ્રશ્ન ઉભો થાય કે જાહેરમાં દેખાતા આ દ્રશ્યો શું અધિકારીઓની આંખો જોઈ શકતી નથી? સાયખા જીઆઈડીસીમાં બેફામ રીતે જળ પ્રદૂષણ ફેલાવાતું હોવાનું ઉજાગર થવા પામ્યુ છે. જીઆઈડીસીમાં જોવા મળતા તળાવ અને નાળા પ્રદૂષિત જોવા મળ્યા. આ દ્રશ્યો સાયખાથી કોઠિયા સુધી જોવા મળી રહ્યાં છે, જ્યાં કેમિકલ યુક્ત લાલ રંગનું પ્રદૂષિત પાણી ક્યાંક કોઈ નદી વહેતી હોય તેમ જોવા મળી રહ્યું છે, તો ક્યાંક બંધિયાર પાણીમાં પણ પ્રદૂષણ જોવા મળ્યું હતુ. અહીં જળ પ્રદૂષણ ભયાનક સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, જેને પગલે ચારે બાજુ નર્કાગાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ દ્રશ્યોથી શું એમ સમજી લેવાનું કે સાયખા જીઆઈડીસીમાં કેમિકલ માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે?
સાયખા જીઆઈડીસીમાં આવેલા કેટલાંક ઔદ્યોગિક એકમોની દિવાલોને અડીને જ એક નાળું જોવા મળ્યું, જ્યાં કાળા ભમ્મર રંગનું દુર્ગંધયુક્ત પાણી વહી રહ્યું હતુ. જ્યાં તે આગળ વહેતું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જીઆઈડીસીના માર્ગ પર આવેલા ગરનાળામાંથી નીકળી રહેલું ફીણ વાળું કેમિકલયુક્ત પ્રદૂષિત ઔદ્યોગિક પાણી એક નાળામાં ભળી જઈ આગળ વહી રહ્યું છે. તે જ રીતે લાલ કલરનું પ્રદૂષિત પાણી ક્યાંક નાળા સ્વરૂપે વહેતુ તો ક્યાંક બંધિયાર હાલતમાં જોવા મળી રહ્યું છે.
જીઆઈડીસીમાં સામાન્ય રીતે આ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ રીતે ફેલાવાઈ રહેલું પ્રદૂષિત પાણી પર્યાવરણની પારાવાર નુક્શાન તો પહોંચાડી જ રહ્યું છે, તો ત્યાંની સ્થાનિક વસ્તી કે જે મોટાભાગે શ્રમિક વર્ગ હોય છે તેમના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરી રહ્યું છે. આ રીતે નાળા અને બંધિયાર સ્થિતિ રીતે જોવા મળતું પ્રદૂષિત ઔદ્યોગિક પાણી સાયખા, કોઠિયા સહિતના ગામોની ખેતીને અસર કરી રહ્યું છે. અહીંના ખેતરોની જમીન બિનઉપજાવ બનાવી રહી છે. ખેત ઉત્પાદનો ઘટી શકે છે. ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ રહ્યું છે, જે અંતે ખેડૂતોની આજીવિકા છીનવી શકે છે.
બીજી તરફ, આ રીતે ફેલાઈ રહેલા જળ પ્રદૂષણથી ત્યાં વિચરતા પશુ-પક્ષીઓ, પાલતુ પ્રાણીઓ અને માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર પરિણામો લાવી શકે છે. તેઓને ત્વચા સંબંધી રોગ થઈ શકે છે. પ્રદૂષિત પાણીના સંપર્કમાં આવવાથી કેન્સર જેવા ગંભીર અસાધ્ય રોગો પણ થઈ શકે છે.
કેટલાંક લોકો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરી જળ પ્રદૂષણ ફેલાવાય છે. જે ન માત્ર માનવ સ્વાસ્થ્યને જ ગંભીર સ્થિતિમાં મૂકે છે, પરંતુ સરોવર, નદીઓ, મહાસાગર અને ભૂગર્ભજળ જેવાં જળસ્ત્રોતોને પણ દૂષિત કરે છે અને તેથી આ જળાશયોમાંની વનસ્પતિઓ અને સજીવોને નુકસાન થાય છે, જે પર્યાવરણીય સંતુલનને ખોરવી દેશે અને ભાવિ પેઢી માટે નર્કાગાર જેવી સ્થિતિ પેદા કરશે.
આ દ્રશ્યો જોઈને એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે કે સામાન્ય લોકો, પશુ-પક્ષીઓ, પ્રકૃતિને ક્યારેય ભરપાઈ ન થઈ શકે તે હદે જળ પ્રદૂષણને આ રીતે ફેલાવી રહેલા પ્રદૂષણ માફિયાઓ સામે ક્યારે કડક પગલા લેવાશે? જોકે, આ બાબતે જીપીસીબીના સ્થાનિક કાર્યાલયનું ધ્યાન દોરાતા તેઓ દ્વારા આવા અનૈતિક કૃત્યો કરનારા પ્રદૂષણ માફિયાઓ સામે કડક પગલા લેશે તેવી પર્યાવરણ ટુડે દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આપણો દેશ હાલ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટેના રોડમેપ પર છે, ત્યારે આ ખૂબ જ મહત્વપૂર્ણ સફરમાં દેશના ઉદ્યોગો પોતાનું કેવું યોગદાન આપી રહ્યા છે, તે તૈયારીઓને પણ પારખવી અત્યંત જરૂરી છે. વિશ્વના આર્થિક નકશામાં ભારત દેશનું નામ મોખરે આવે તે દરેક ભારતીય માટે ખૂબ જ ગૌરવિંત ક્ષણ હશે, પણ આ માટે આપણી પ્રકૃતિનું નિકંદન કાઢી પર્યાવરણને નુક્શાન ન પહોંચે તે જોવું તે પણ જરૂરી છે.