કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનાં હસ્તે ડીંડરોલ ગામે પાણીની ઊંચી ટાંકીનું લોકાર્પણ કરાયું
ગુજરાત સરકારની ખાસ અંગભૂત યોજના હેઠળ નિર્માણ થયેલ પાણીની ઊંચી ટાંકીનું નામ આશાબા વારિગૃહ રખાયું
પાટણ: પાટણ જિલ્લાનાં સિદ્ધપુર તાલુકામાં આવેલ ડીંડરોલ ગામે પાણીની ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ ટાંકીમાં લોકફાળાનાં દાતા ડીંડરોલ ગ્રામ પંચાયતનાં ગમાનભાઇ વિરાભાઈ રાઠોડ દ્વારા અનુદાન આપવામા આવ્યું હતુ.
‘આશાબા વારિગૃહ’ નામક આ ઊંચી ટાંકીનું નિર્માણ ગુજરાત સરકારની ખાસ અંગભૂત યોજના હેઠળ કરવામા આવ્યું છે. ગામનાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં પાણીની ટાંકીની જરૂરિયાત હોતા આ ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પાણીની ટાંકીનાં લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે ગામમાં લોકોને સરકારી યોજનાનો લાભ કઇ રીતે મળે તેની ચિંતા ગામનાં આગેવાનો હરહંમેશ કરે છે. ગામમાં પીવાના પાણીથી માંડીને અન્ય બાબતો માટે ગામનાં દાતાઓ દ્વારા હંમેશા સહકાર મળે છે. આ બાબતને હુ બિરદાવું છુ. આજના દિવસે મારે ડૉ. બાબાસાહેબ આંબેડકરને પણ યાદ કરવા છે. આઝાદીનાં આ અમૃતકાળમાં આપણો દેશ વિશ્વગુરૂ બનવા જઈ રહ્યો છે ત્યારે એમા સૌથી મોટો ફાળો બાબાસાહેબ આંબેડકરનો છે. વધુમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે આપ સૌના આશીર્વાદથી આગળ પણ વિકાસનાં કાર્યો થતા રહેશે. ગામનાં લોકોની મદદ માટે હુ હંમેશા તૈયાર છુ.
આ પ્રસંગે મંત્રીબળવંતસિંહ રાજપૂતની સાથે ગામનાં આગેવાનો, એ.પી.એમ.સી. ચેરમેન વિષ્ણુભાઇ પટેલ, તેમજ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.