બુલંદશહર: ઘરમાં કાર્યરત કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ચાર લોકોના મોત
ઉત્તર પ્રદેશમાં બુલંદશહેર જિલ્લાના નગર કોતવાલી વિસ્તાર હેઠળ ડપોલી રોડ પર ખેતરની વચ્ચે બનેલા મકાનમાં શુક્રવારે 31મી માર્ચે થયેલા બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરતા વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) શ્લોક કુમારે જણાવ્યું હતું કે વિસ્ફોટ નગર કોતવાલી વિસ્તારના મોહલ્લા દેવીપુરા પાછળ ઢકોલી રોડ પર એક ફાર્મ હાઉસમાં થયો હતો. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો, વિસ્ફોટને કારણે પાકી ઈંટોથી બનેલું ઘર સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયું અને ચાર લોકોના મોત થયા. હજુ સુધી મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એસએસપીએ કહ્યું કે ટેલિફોન પર વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ, જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્રપ્રકાશ સિંહ સાથે પોલીસ દળ, ફોરેન્સિક ટીમ અને વિસ્ફોટક ટુકડી સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળેથી ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે.
એસએસપીનું કહેવું છે કે પોલીસ દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે. હાલ ખેતર અને મકાનનો માલિક કોણ છે તેની માહિતી પોલીસ પાસે નથી. વિસ્ફોટથી ઘર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયું હતું.આશંકા છે કે ઘરમાં કેમિકલ ફેક્ટરી ચાલી રહી હતી. મકાન ભાડે લઇને તેમાં ફેક્ટરી ચલાવવાની માહિતી પ્રાપ્ત થઇ છે. હાલમાં પોલીસ આ મામલાની ઊંડી તપાસ કરી રહી છે.
વિસ્ફોટમાં માર્યા ગયેલા ચાર લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ચારેય મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે અને ઈજાના નિશાન છે.