ભુજમાં નર્મદા લાવો કચ્છ બચાવો નારા સાથે ધરણાં પ્રદર્શન
ભારતીય કિસાન સંઘ-કચ્છ દ્વારા આજે ભુજ શહેરના ટીન સીટી ખાતે સવારના ૯ વાગ્યાથી “નર્મદા લાવો કચ્છ બચાવો”ના નારા સાથે પૂરતા પાણીની માગણી કરી ધરણાં પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લાભરમાંથી ઉમટી રહેલા હજારો ખેડૂતોની હાજરી સાથે નર્મદાના પાણી માટે સરકાર સામે સુત્રોચાર પોકારી, બોર્ડ અને બેનરો દર્શાવવામાં આવતા ટીન સીટી ગ્રાઉન્ડ કિસાન ભાઈઓના અવાજથી ગાજી ઉઠ્યું છે. કિશાન આંદોલનના સમર્થનમાં જિલ્લાની વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી કચ્છ હિતના મામલે ધરણાં કાર્યક્રમમાં જોડાઈ છે .
ભુજ સ્વામિનારાયણ મંદિર, કચ્છી લેવા પાટીદાર સમાજ ભૂજ, નીલકંઠ ગૌ સેવા ટ્રસ્ટ સહિતની અનેક સંસ્થાઓએ કિશાન ધરણાંને સમર્થન જાહેર કર્યું છે. તો જિલ્લાના ધારાસભ્યો અને સાંસદ વિનોદ ચાવડાએ પણ ખેડૂતોની માગને વ્યાજબી ગણાવી તેમની માગને સરકાર સમક્ષ રજુ કરવાની વાત કરી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કચ્છ કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ આહીર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કચ્છના માંડવી તાલુકાના મોડકુબા સુધી નર્મદા કેનાલનું કાર્ય આટલા વર્ષો બાદ હજુ સુધી પૂર્ણ થઈ શક્યું નથી. જિલ્લાને મળવા પાત્ર વધારાના પાણી પણ હજુ સુધી પ્રાપ્ત થાય નથી . કચ્છના વિકાસ માટે ખેડૂત અને ખેતીની પ્રગતિ અનિવાર્ય છે તેથી માત્ર ખેડૂત હિત માટે નહીં પરંતુ સમગ્ર કચ્છના હિત માટે નર્મદાના પૂરતા પાણી નિર્ધારિત સ્થળ સુધી તાત્કાલિક ધોરણે મળે તે જરૂરી છે. તેના માટે અટકેલા કામ ઝડપભેર પૂર્ણ કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખેડૂતોને ૫૦૦થી ૭૦૦ ફૂટ ઊંડાઈએથી પાણી ખેંચવા પડે છે. જેના માટે વધારાના હોર્સ પાવરથી મોટર બેસાડવી પડે છે. આ માટે પીજીવીસીએલની મીટર પ્રથા મરજિયાત કરવામાં આવે.
હાલ જિલ્લામાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, તેમાં નાઇટ્રોજનની ખુબજ જરૂર પડે છે. પરંતુ આ માટે છેલ્લા એક માસથી યુરિયા ખાતર મળી રહ્યું નથી. આ તમામ મંગણીઓ મુદ્દે નક્કર કાર્યવાહીની લેખિત બાંહેધરી નહિ મળે તો આગામી તા. ૨૦થી કચ્છ બંધ સહિતના ઉગ્ર આંદોલન કરવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતુંનર્મદા કેનાલનું પાણી સમગ્ર જિલ્લામાં નિર્ધારિત સ્થળ સુધી પ્રાપ્ત થાય તેમજ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૪.૭૫ કરોડની વધારાના પાણી મુદ્દે મળેલી મંજુરી પ્રક્રિયા આગળ વધે અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી માંગ સાથે આજે મંગળવારે ભુજ શહેરના ટીન સીટી ખાતે કચ્છ કિસાન સંઘ દ્વારા એક દિવસના પ્રતીક ધરણાં શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લાના દસે તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણાં પ્રદર્શનમાં જોડાયા છે. જેના કારણે હાલ કચ્છમાં ભારે ઠંડી વચ્ચે રાજકીય માહોલમાં ગરમી છવાઈ ગઈ છે.