સ્વાસ્થ્ય માટે જોખમી કેમિકલયુક્ત ગંદા પાણીથી મુક્તિ અપાવવા ધોળકા તાલુકાના પાંચ ગામોના ધરણા
સ્વાસ્થ્ય માટે જોખમી કેમિકલયુક્ત ગંદા પાણીથી મુક્તિ અપાવવા ધોળકા તાલુકાના પાંચ ગામોના ઘરણા
અમદાવાદઃ જિલ્લાના ધોળકા શહેર થઇ બુટભવાની, ભેટાવાડા, ત્રાસદ અને પાલડી ગામો સુધી જુનો વૉકળો એટલે કે કાંસ પસાર થાય છે. જેથી ધોળકા નગરપાલિકાની હદમાં આવેલી રહેણાંક સોસાયટીઓની ગટરનું ગંદુ પાણી છોડવામાં આવે છે, જ્યારે વૉકળા પર આવેલી એક ખાનગી કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી ભેળતા આજુ-બાજુ ગામો સુધી પાણી છેલ્લા 10 વર્ષથી વધારે સમયથી ગંદુ પાણી વૉકળાથી પસાર થતા બુટભવાની, ભેટાવાડા, ત્રાસદ અને પાલડી ગામોના તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું હોય ઉપરોક્ત, તમામ ગામોના ખેડૂત સહિતના ગ્રામજનો કંપનીની બહાર ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા.
ધોળકા તાલુકાના પાંચ ગામ બુટભવાની, ભેટાવાડા, ત્રાસદ અને પાલડીના ગ્રામજનોએ જણાવ્યું હતુ કે ત્રાસદ રોડ પર આવેલી બેફામ રીતે ખાનગી કંપનીઓ કેમિકલયુક્ત પાણી છોડીને વર્ષોથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે. આ સાથે આ ગામોમાં થતી બાગાયતી ખેતીને પણ મોટુ નુક્શાન થઇ રહ્યું છે. ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડાં અને બાગાયતી ખેતીને થતા નુક્શાન ન થાય તે માટે આ કેમિકલયુક્ત ગંદા પાણીમાંથી મુક્તિ આપવા માટે ઉપરોક્ત પાંચ ગામના ગ્રામજનો એક ખાનગી કંપની બહાર ઉપવાસ પર બેસી ધરણા યોજ્યા હતા.
ત્રાસદ રોડ પર આવેલી ખાનગી કંપનીઓ વર્ષોથી કેમિકલયુક્ત પાણી છોડી રહી હોઇ, ગ્રામજનો દ્વારા હાઇકોર્ટમાં પીઆઇએલ પણ દાખલ કરવામાં આવી છે, છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ગ્રામ્ય કચેરી દ્વારા આવી ખાનગી કંપનીઓ સામે કેમ કોઇ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તે સવાલો ગ્રામજનોના મનમાં પેદા થઇ રહ્યાં છે.
ગ્રામજનોએ જણાવ્યું હતુ કે આ ગામોમાં ગુલાબ, મોગરા સહિતની બાગાયત ખેતી મુખ્ય ધંધો છે, પરંતુ કેમિકલયુક્ત ગંદુ પાણી ભૂગર્ભમાં ઉતરતાં પાણી ખેતીલાયક ન રહેતા બાગાયત ખેતી નિષ્ફળ જાય છે, જેના કારણે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે. આ બાબતે વારંવાર વિવિધ કચેરીઓમાં જાણ કરવા છતાં ધોળકા નગરપાલિકા અને કેમિકલ કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવાનું બંધ કરવામાં આવી રહ્યું નથી. જેથી છેવટે અમારે માટે ઉપવાસ પર ઉતરવા સિવાય અન્ય કોઇ માર્ગ રહ્યો નથી.
ત્રાસદ ગામના ડેપ્યુટી સરપંચ વિશાલ પટેલે પોતાની રજૂઆત કરતા જણાવ્યું હતુ કે જે તે ખાનગી કંપનીઓનું કેમિકલયુક્ત અને નગરપાલિકાની ગટરનું પ્રદૂષિત પાણી ત્રાસદ રોડ પર નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ ઉભુ થયું છે. ભેટવાડાના બે તાળવોમાં કેમિકલવાળુ પાણી ભરાઇને ત્રાસદના તળાવામાં ભળે છે. અમારા ગામની જમીન રેતાળ હોવાથી આ પ્રદૂષિત પાણી જમીનમાં ઉતરતા બોરના પાણી પણ પ્રદૂષિત આવે છે. અમે જીપીસીબી સહિત સંબંધિત કચેરીઓએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઇ યોગ્ય પગલા ન લેવાતા અમારે ઉપવાસ-ધરણા યોજવા પડી રહ્યાં છે. ગામના એક જાગૃત રહીશે ગામના પ્રદૂષિત પાણીની સેટેલાઇટ છબીને પણ રજૂ કરી, કેટલી હદે પ્રદૂષણ પાણીમાં ફેલાઇ ચૂક્યું છે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
જોકે, ધોળકા ટાઉન પોલીસ દ્વારા ઉપવાસ કરી રહેલા પ્રદર્શનકારીઓને અટકાયત કરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. બાદમાં મોટી સંખ્યામાં ઉપરોક્ત તમામ ગામોની મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચી હતી અને પ્રદૂષિત પાણીથી મુક્તિ અપાવવામાં માટે નારા લગાવ્યા હતા. બાદમાં જીપીસીબીના અધિકારીઓ, કંપનીના જવાબદાર અધિકારીઓ, ધોળકા ચીફ ઑફિસર, હોદ્દેદારો સાથે બેઠક યોજી ગટરનું પાણી બંધ કરવામાં આવશે તેવી બાંહેધરી આપતા હાલ પૂરતા ધરણા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.