ઉત્તર પ્રદેશમાં એક હોસ્પિટલની બહાર ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ, આ વિસ્ફોટમાં બે લોકોના મોત
ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલની બહાર આજે થયેલા પ્રચંડ સિલિન્ડર વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસના લોકો ઘરોમાં છુપાઈ ગયા હતા. વિસ્ફોટથી હોસ્પિટલ અને આસપાસના ઘરોના કાચ તૂટી ગયા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં લોકો ડરી ગયા છે અને ઓક્સિજન સિલિન્ડરોથી ભરેલી ટ્રક પણ રસ્તાની વચ્ચે ઉભી જોવા મળી રહી છે. માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક, સીઓ અને મુગલસરાયના ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, દયાલ હોસ્પિટલ મુગલસરાય કોતવાલી વિસ્તારના રવિનગર વિસ્તારમાં આવેલી છે. અહીં સવારે ૯ થી ૯ઃ૩૦ વચ્ચે ઓક્સિજન સિલિન્ડરનું વાહન ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવા આવ્યું હતું. આ દરમિયાન ઓક્સિજન સિલિન્ડર અનલોડ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે કોઈ કારણોસર ઓક્સિજન સિલિન્ડર ફાટ્યો. જેના કારણે ઓક્સિજન સિલિન્ડરના વાહન પર હાજર બે લોકો તેની લપેટમાં આવી ગયા હતા. મુગલસરાય પોલીસ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરના સીઓ અનિરુદ્ધસિંહ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે આજુબાજુ લોકોનું ભારે ટોળું એકત્ર થઈ ગયું હતું.
ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અધિક્ષક અંકુર અગ્રવાલે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. મૃતકોની ઓળખ થઈ ગઈ છે, બંને લોકો ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરતી કંપનીમાં કામ કરતા હતા. ઘટના સમયે હોસ્પિટલની બહારથી પસાર થઈ રહેલ ટ્રેક્ટર ચાલક ઈંટો ભરેલું ટ્રેક્ટર મુકીને નાસી ગયો હતો. પોલીસ અધિક્ષક અંકુર અગ્રવાલે જણાવ્યું કે આ કેસમાં આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
ઓક્સિજન સિલિન્ડર રિફિલિંગ અને પેકિંગ યોગ્ય હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. આ મામલે બેદરકારી દાખવનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.