વલસાડમાં ખેડૂતોને તૌક્તેમાં થયેલા નુકસાનના વળતર માટે વધુ ૧૨ કરોડ મંજુર
વલસાડ જિલ્લામાં આંબાવાડી ધરાવતા ખેડૂતોને તૌક્તે વાવાઝોડામાં થયેલા નુકસાનના વળતર માટે ગુજરાત સરકારે ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. તે માટે વલસાડ જિલ્લામાં પણ સર્વે કરવામાં આવ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. જેમાં વલસાડ જિલ્લામાં ૬,૪૩૩ ખેડૂતોને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે અને તેઓને ૧૦ કરોડ ૯૩ લાખ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાનું સરકારી વહીવટીતંત્ર જણાવી રહ્યું છે, પરંતુ પારડી તાલુકાના કેટલાક ગામોમાં ખેડૂતોને હજી સુધી સહાય મળી ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
તૌક્તે વાવાઝોડું વલસાડ જિલ્લામાંથી પસાર થતા આંબાવાડી ધરાવતા અનેક ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તેમાં પણ આંબે કેરીની તૈયારી થઈ ચૂકી હતી એવા જ સમયમાં આવેલા તૌક્તે વાવાઝોડાને લઈને કેરીનો પાક પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયો હતો. આવા સમયમાં ખેડૂતોમાં માગ ઉઠી હતી કે, સરકાર દ્વારા નુકસાનીનું વળતર આપવામાં આવે. તે માટે ગુજરાત સરકારે ૫૦૦ કરોડ રૂપિયાનું ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું હતું. જે પૈકી વલસાડ જિલ્લામાં પણ સરવે કામગીરી હાથ ધરાઈ હતી અને જિલ્લામાં ૧૦ કરોડ ૯૩ લાખ રૂપિયાનું ચૂકવણું નુકસાનીના વળતર તરીકે આપવામાં આવ્યા છે, પરંતુ તેમાં પણ અનેક સ્થળોએ ખેડૂતોમાં મનદુખ જેવી સ્થિતિ સર્જાઈ છે.
વલસાડ જિલ્લાના સરકારી અધિકારીના આંકડા જણાવ્યા અનુસાર, વલસાડ જિલ્લામાં સર્વેમાં ૬૪૩૩ ખેડૂતોને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું હતું અને આ તમામ ખેડૂતોને પહેલા તબક્કામાં દસ કરોડ ૯૩ લાખ જેટલી રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે તાલુકા અનુસાર આંકડા ઉપર નજર કરીએ તો વલસાડ તાલુકામાં ૨૭૬૦ જેટલા લાભાર્થીઓ છે જેમને ૪૫,૯૦,૭૮૦૦ રૂપિયા,પારડી માં ૧૨૫૫ લાભાર્થીને ૨૬,૫૩,૮૯૦૦ રૂપિયા, ધરમપુરમાં ૬૭૪ લાભાર્થીને ૭૩,૫૦,૦૦૦ રૂપિયા, કાપરડા ૪૯૭ લાભાર્થીને ૪૩,૭૦,૪૦૦ રૂપિયા, ઉમરગામ ૧૨૪૭ લાભાર્થીને ૨૫,૧૮,૬૨૦૦ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે.
વલસાડ જિલ્લામાં પહેલા તબક્કામાં ૬,૪૩૩ જેટલા ખેડૂતોને ૧૦ કરોડ ૯૩ લાખ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે જોકે હજુ પણ ૬,૦૦૦ જેટલી અરજીઓ પેન્ડિંગ પડી હોય તેમને સહાય ચૂકવવાની બાકી હોય તે માટે રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકર દ્વારા કેબિનેટમાં રજૂઆત કર્યા બાદ ૧૨ કરોડ વધુ નુકસાનીના વળતર માટે મંજૂર કરવામાં આવ્યા છે જોકે હવે આગામી દિવસમાં તેનું ચુકવણું ક્યારે અને કેવી રીતે થશે એ તો સરકારી અધિકારીઓ જ કહી શકે. ત્યારે આ સમગ્ર બાબતે જો ખરેખર વાત કરી તપાસ થાય તો આ સમગ્ર પ્રકરણમાં સર્વે મુજબ ચુકવણું થયું છે કે કેમ તે અંગે ઘણી બધી બાબતો સપાટી ઉપર આવી શકે એમ છે