ભારે વરસાદ વચ્ચે ઘણા સ્થાને જાનમાલના નુકશાનના સમાચાર સામે આવ્યા
ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદે ઘણી તારાજી સર્જી છે. વરસાદના કારણે ઘણા સ્થાને જાનમાલના નુકસાનના સમાચાર છે. અમદાવાદમાં વરસાદના કારણે ઓગણજમાં દીવાલ ધસી પડી છે. જેમાં પાંચ શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત લોકો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “હાલ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે. આગામી ૧૪-૧૫ તારીખે ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ થશે. ૧૬મી જુલાઈથી ધીમે ધીમે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. ૨૨ જુલાઈથી ફરીથી વરસાદી માહોલ જામશે. ૨૪થી ૩૦મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ૨૪થી ૨૬ જુલાઈ દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. તારીખ ૧૭ જુલાઈથી વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે.” બીજી તરફ મહારાષ્ટ્રમાં વરસાદના કારણે બે માળની ઇમારત ધરાશાયી થઇ છે. અમરાવતીના ગાંધી ચૌકથી અંબા દેવી સડક પર ૨ માળની ઇમારત ધરાશાયી થઇ છે.
જોકે રાહતની વાત એ છે કે ઇમારત ધરાશાયી થઇ ત્યારે તેમાં કોઇ હાજર ન હતું. પહેલા થોડો ભાગ પડે છે જેના કારણે દુકાનમાંથી લોકો બહાર આવી જાય છે. આ પછી ઇમારત ધરાશાયી થાય છે. ધરાશાઇ થતી ઇમારતનો વીડિયો પણ સામે આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે દાદરાનગર દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, ૧૪મી તારીખથી ૧૫મીની સવાર સુધીમાં જૂનાગઢ, ગીર, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ સાથે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.