કૃષિઃ રવિ પાકના વાવેતર પહેલા રાજ્ય સરકારે વધુ પાણી છોડવાનો કર્યો નિર્ણય
અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકારે રવિ પાકના વાવેતર પહેલા પાણી છોડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ અને પીવાનું પાણી છોડવામાં આવશે. ૧૫ માર્ચ ૨૦૨૪ સુધી પાણીની જરૂરીયાતની અગ્રતા ધ્યાનમાં લઈને પાણી છોડવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવશે. પીવા માટે ૪ હજાર ૫૬૫ MCFT અને સિંચાઈ માટે ૨૬ હજાર ૧૩૬ MCFT મળીને કુલ ૩૦ હજાર ૮૦૧ MCFT પાણી છોડવામાં આવશે. જેના પગલે ખેડૂતોના રવિ પાકને ઘણો જ ફાયદો પહોંચશે. ગુજરાત સરકારના આ નિર્ણયના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.