અમદાવાદના ઈસનપુરમાં ફેક્ટરીમાં આગ લાગતાં એક યુવક દાઝ્યો, સારવાર દરમિયાન મોત
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલી લાકડાની ફેક્ટરીમાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. એકાદ કલાકમાં આગને કાબુમાં લેવામાં આવી હતી. આગની ઘટનામાં એક યુવક દાઝી જવાથી ઇજાગ્રસ્ત થયો હતો. જેને ફાયર બ્રિગેડએ તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઇસનપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ આ યુવકના પરિવારજનોને જાણ કરીને આગ લાગવાની ઘટના મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ ફાયર બ્રિગેડને રાતે ઇસનપુર વિસ્તારમાં મોની હોટલના ખાંચામાં જીરાવાલા ફર્નિચરની ફેક્ટરીમાં આગ લાગી છે એવો કોલ મળ્યો હતો. જેના પગલે ફાયરબ્રિગેડની સાત જેટલી ગાડીઓ તાત્કાલિક આગને બુઝાવવા માટે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવી પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગ ને એકાદ કલાકમાં કાબુમાં લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ફેકટરીમાં તપાસ કરતા એક યુવક દાઝેલી હાલતમાં મળી આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ તેનું નામ દિલશાદખાન હોવાનું જાણવા મળ્યું છે.