VGGS દરમિયાન ૧૧ જાન્યુઆરીના રોજ “રિન્યુએબલ એનર્જી- પાથવે ટુ એ સસ્ટેનેબલ ફ્યુચર” પર સેમિનાર યોજાશે
ગાંધીનગરઃ ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા (IAS)એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિરના સેમિનાર હોલ-૪ ખાતે ૧૧મી જાન્યુઆરીના રોજ “રિન્યુએબલ એનર્જી – પાથવે ટુ એ સસ્ટેનેબલ ફ્યુચર” થીમ આધારિત સેમિનારનું આયોજન કરવામાં આવશે.
કાર્યક્રમની વિગતો વિશે વાત કરતા મમતા વર્માએ જણાવ્યું કે, ઉદ્ઘાટન સત્રમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ સંબોધન કરશે. કોન્ફરન્સમાં અન્ય વક્તાઓમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના ડાયરેક્ટર જનરલ અજય માથુર, નેશનલ રિન્યુએબલ એનર્જી લેબોરેટરીના લેબોરેટરી ડાયરેક્ટર માર્ટિન કેલર, ઇનોવેટીવ વિન્ડ એનર્જી ઈનકોર્પોરેશનના સ્થાપક અને પ્રમુખ પ્રમોદ જૈન, ડેનમાર્કના ઑફશોર વિન્ડ એન્ડ રીન્યુએબલ એનર્જીના CoEના સેક્રેટરીએટના વડા અલ્પ ગુનેસેવર અને ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી (IRENA)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ગૌરી સિંઘનો સમાવેશ થાય છે.
વધુમાં, તેમણે જણાવ્યું હતું કે સેમિનારનો ઉદ્દેશ્ય નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં વિવિધ વિષયોમાં ઇન્ફોર્મ્ડ ડિસિઝન મેકિંગ (માહિતી આધારિત નિર્ણયો લેવા)ને સક્ષમ કરીને વ્યાપક સમજ પ્રદાન કરવાનો છે. ઉભરતી તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે શરૂઆત કરીને, સહભાગીઓ સહયોગ અને નવીનતા માટેની તકોને ઓળખીને, નવીનતમ પ્રગતિઓ અને વલણોની આંતરદૃષ્ટિ મેળવી શકે છે. ચર્ચાના કેટલાક મુખ્ય પાસાઓમાં નીચેનાનો સમાવેશ થશેઃ
૧. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઉભરતી તકનીકો અને વલણોઃ આ સત્રનો ઉદ્દેશ્ય, સોલાર પીવી મોડ્યુલોમાં સુધારેલી કાર્યક્ષમતા, વિન્ડ ટર્બાઇન ટેક્નોલોજીમાં નવીનતાઓ, ઉર્જા સંગ્રહમાં સફળતાઓ અને સ્માર્ટ ગ્રીડ સિસ્ટમના એકીકરણ જેવી પ્રગતિઓને હાઇલાઇટ કરીને, સહભાગીઓને વધતી જતી ઊર્જા માંગને કાર્યક્ષમ અને ટકાઉ રીતે પહોંચી વળવા માટે જરૂરી જ્ઞાનથી સજ્જ કરવાનો છે.
૨. RE પાવર ઇવેક્યુએશન અને ગ્રીડ એકીકરણ વ્યૂહરચનાઓઃ આ સત્રમાં સીમલેસ ગ્રીડ એકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને, વેરિયેબલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનથી ઉદ્ભવતા પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે. સત્ર દરમિયાન પુનઃપ્રાપ્ય ઉર્જાનો શ્રેષ્ઠ ઉપયોગ અને વિશ્વસનીય વીજ પુરવઠા માટે મજબૂત ઇવેક્યુએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીડ વ્યૂહરચના વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
૩. પેનલ ડિસ્કશનઃ વૈશ્વિક પરિદ્રશ્ય અને ઓફશોર વિન્ડમાં ઉભરતા પ્રવાહો વિશે આ સત્રમાં ચર્ચા કરવામાં આવશે. સાથે, સહભાગીઓ સાફલ્યગાથાઓ અંગે ચર્ચા કરશે.
તેમણે જણાવ્યું કે આજે જ્યારે ભારતની ઊર્જાની માંગમાં વધારો થઈ રહ્યો છે ત્યારે, ગુજરાત ટકાઉ વિકાસ માટે ઉકેલો અને વ્યૂહરચનાઓનું અન્વેષણ કરવા માટે સેમિનારનું નેતૃત્વ કરે છે. છેલ્લા દાયકામાં, ગુજરાતે પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ઉછાળો નોંધાવ્યો છે, રાજ્યની ક્ષમતા ૮ GWથી વધીને ૨૨.૭ GW થઈ છે. રાજ્યમાં માથાદીઠ વીજળીનો વપરાશ રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ બમણો છે અને ૨૦૩૦ સુધીમાં ભારતના ૧૦૦ GW રિન્યુએબલ એનર્જી સ્થાપિત ક્ષમતાના લક્ષ્ય પહેલા મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે.
સમાપન કરતા તેમણે જણાવ્યું કે, RE સેક્ટરના હબ તરીકે ગુજરાતને વૈશ્વિક નકશા પર સ્થાન આપવા માટે, સેમિનારનો ઉદ્દેશ્ય રાજ્યમાં ગુજરાત RE ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો, ઊર્જા સુરક્ષા વધારવા માટે રાજ્યમાં ઑફશોર વિન્ડ પ્રોજેક્ટ્સની જમાવટ માટે વ્યૂહરચના વિકસાવવાનો, અને ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને નિયમનકારી માળખાને સુધારવા માટે ગુજરાતના વૈશ્વિક સહયોગમાં વધારો કરવાનો, RE ગ્રીડ એકીકરણ વગેરેના વૈશ્વિક પડકારોને સંબોધવા માટે જ્ઞાનની વહેંચણી કરવાનો છે. તેમણે આ સત્રમાં જાડોવા માટે તમામ સંબંધિત હિતધારકો, ઉદ્યોગ નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓને હાર્દિક આમંત્રણ આપીને કોન્ફરન્સનું સમાપન કર્યું.