સુરતમાં દરજીની દુકાનમાં આગ લાગતા કાપડનો જથ્થો બળીને ખાક
ગુજરાતમાં રોજબરોજ ક્યાંક ને ક્યાંક આગ લાગવાના બનાવ સામે આવે છે ત્યારે સુરતના રાણી તળાવ વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. કોમર્શિયલ બિલ્ડીંગનાના પહેલા માટે આગ લાગવાની ઘટના સામે આવી હતી. સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને ઘટનાની જાણ કરી હતી. પહેલા માળેથી ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં નીકળતો હોવાનું માલૂમ પડતા ફાયર વિભાગે બિલ્ડીંગના આગળના કાચ તોડીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
બિલ્ડિંગના પહેલા મળે દરજીની દુકાન હોવાને કારણે મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હતો. શરૂઆતમાં માત્ર ધુમાડો નીકળતો દેખાતો હતો પરંતુ ત્યારબાદ ફ્લેશ ફાયર થવાની શરૂ થઈ હતી. કાપડ હોવાને કારણે ઝડપથી આગ ઉપર કાબૂ મેળવવામાં મુશ્કેલી આવી હતી. પરંતુ ફાયર વિભાગની અલગ અલગ ટીમ કામે લાગતા આગ વધુ પ્રસરે તે પહેલાં જ કાબૂમાં લેવાઇ હતી.
ફાયર વિભાગના અધિકારી હાર્દિક પટેલના કહેવા પ્રમાણે દાઉદ નામની દુકાન હતી. જેમાં કાપડનો જથ્થો હતો. દુકાનમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો બહાર આવી રહ્યો હતો. તેથી કાચ તોડયા બાદ આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. બાજુની બિલ્ડીંગના ટેરેસ ઉપરથી પણ ફાયર દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. દુકાનમાં ફર્નિચર પણ બળીને ખાક થઈ ગયું હતું.