સુરતના કોન્ટ્રાકટરના માણસે ગટરના જોડાણ માટે ૩ લોકો પાસેથી ૪૫૦૦ પડાવ્યા
સુરતના કોન્ટ્રાક્ટરના માણસોએ પાલિકાના ડ્રેનેજ વિભાગના અધિકારીઓના મેળાપીપણામાં રૂપિયા ખંખેર્યા હોવાના આરોપ રહીશોએ કર્યો છે. કોન્ટ્રાક્ટર સાથે જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ સાથે સોમવારે રહીશોએ ભારે ઓહાપોહ મચાવ્યો હતો. પાલિકા દ્વારા કોટ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્કની કામગીરી થઇ રહી છે.
જે અંતર્ગત ખાંગડ શેરીમાં નવા કનેકશન માટે મિલકતદારોએ કોઇ ચાર્જ આપવાનો નથી. પરંતુ કોન્ટ્રાક્ટરના માણસો મિલકતદારોને નવી લાઇન નાંખવાના નામે ૪૫૦૦થી ૬ હજાર ખંખેરી રહ્યા હતા. એક મિલકતદારે કોન્ટ્રાક્ટરના માણસને ૪૫૦૦ આપી રાતોરાત કનકેશન નંખાવી દીધું હતું. આ પેમેન્ટ ઓનલાઇન કરાયું હતું. આ મામલે સ્થાનિક રહીશે મીડિયાને સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. આ મામલે ડ્રેનેજ વિભાગના અધિકારીને જાણ કરાતા પાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા અને મિલકતદારને ૪૫૦૦ રિટર્ન અપાવ્યા હતા. આ જ દરમ્યાન શેરીના અન્ય બે મિલકતદારો સામે આવ્યા હતા અને તેમની પાસેથી પણ નવા કનેકશન માટે રૂપિયા વસુલાયા હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.
ફરિયાદ મળતાં જ પાલિકાની ટીમ સવારે સ્થળ પર પહોંચી ગઇ હતી. કોન્ટ્રાક્ટરના માણસને પૈસા લેવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો અને મિલકતદારને પૈસા રિટર્ન કરાવ્યા હતા. આ પ્રકરણમાં પાલિકાના કર્મચારીઓની કોઇ સંડોવણી નથી. રહીશોના આક્ષેપ ખોટા છે.સલાબતપુરામાં ડ્રેનેજ લાઇન નાંખવાની ચાલી રહેલી કામગીરી વચ્ચે મિલકતદારો પાસે નવા કનેકશન નાંખવા માટે રૂા.૪ હજારથી ૬ હજાર ખંખેરી લેવાતા રહીશોએ હોબાળો મચાવ્યો હતો. સલાબતપુરાની ખાંગડ શેરીમાં કિર્તી કન્સ્ટ્રકશનને ડ્રેનેજ લાઇન માટેની કામગીરી સોંપાઈ છે.