રાજકોટના કુવાડવામાં આવેલી જીનીંગ મિલમાં સવારે ભભુકી ઉઠેલી ભીંષણ આગ ૧૨ કલાક બાદ કાબુમા આવી
રાજકોટના કુવાડવા રોડ પર ત્રિમંદિર સામે નટવર કલ્યાણજી નામની જીનીંગ મિલમાં આજે સવારે ભભુકી ઉઠેલી ભીંષણ આગ ૧૨ કલાક બાદ કાબુમા આવી હતી.
આજે સવારે આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ પાંચ ફાયર ફાયટર સાથે સ્થળ પર દોડી ગયો હતો. જીનીંગ મિલમાં ત્રણ ગોડાઉન છે. જેમાં રૂ ઉપરાંત રૂનું વેસ્ટેજ અને ગાંસડીઓ હતી. ત્રણેય ગોડાઉન સુધી આગ પ્રસરી જતા માલ ઉપરાંત મશીનરી પણ આગમાં ખાક થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના સુત્રોએ જણાવ્યું કે સવારે અંદાજે આઠેક વાગ્યે આગ લાગી હતી. જે સાંજના આઠેક વાગ્યા સુધીમાં કાબુમાં આવી ગઈ હતી. પરંતુ રૂની અંદર સુધી ગરમી પહોંચી ગઈ હોવાથી હવાની લહેરખી સાથે જ રૂના જથ્થામાં આગના લબકારા ચાલુ રહ્યા હતા. જે જાેતા આગ સંપૂર્ણપણે મોડી રાત્રે કાબુમાં આવશે.
હાલ જેસીબીની મદદથી સળગી ગયેલો રૂનો જથ્થો સાઈડમાં લેવાની કામગીરી ચાલુ છે. સીસીટીવી જાેતા સવારે જયારે મોટર ચાલુ કરવા માટે સ્વીચ દબાવવામાં આવી ત્યારે તણખા ઉડતા આગ લાગ્યાનું જણાય છે. જયારે આગ લાગી ત્યારે મિલમાં કોઈ મજુરો કામ પર ન હતા. મિલમાં રહેલા મજુરો આગ લાગતાની સાથે જ ઝડપભેર બહાર નિકળી ગયા હતા. આગ બુઝાવવામાં એકંદરે પાંચેક લાખ લીટર પાણીના જથ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ આગને પગલે સ્થળ પર ફાયર બ્રિગેડના અધિકારી ઉપરાંત પોલીસ સ્ટાફ પણ દોડી ગયો હતો. ખરેખર આગ કયા કારણથી લાગી તે અંગે એફએસએલ હવે તપાસ કરશે.