વલસાડના શાકભાજી માર્કેટમાં મોડી રાત્રે બંધ દુકાનમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી
વલસાડના શાકભાજી માર્કેટ ખાતે સાઈ સુપર સ્ટોર નામની બંધ દુકાનમાં શિવરાત્રીની મોડી રાત્રીએ અચાનક આગ લાગી હતી. દુકાન પાસેથી રાત્રે પસાર થઈ રહેલા સ્થાનિક યુવકે દુકાનમાંથી ધુમાડા નીકળતા જોઈ સમય સુચકતા વાપરીને વલસાડ ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી. શાકભાજી માર્કેટની દુકાનમાં અડધી રાત્રે અચાનક આગ લાગતાં સ્થાનિક યુવકે દુકાન સંચાલક અને આજુબાજુના લોકોને બનાવની જાણ કરી હતી.
ફાયર વિભાગની ટીમને જાણ કરતાં તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી દુકાનનું તાળુ તોડી આગ પર કાબુ મેળવ્યો હતો. સમયસર ફાયર વિભાગને જાણ થતા મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. જ્યારે આ આગમાં દુકાનમાં કાઉન્ટર ઉપર મુકેલો માલ બળીને રાખ થઈ ગયો હતો.