સચિન જીઆઈડીસીમાં આવેલી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લાગી આગ, 4ના મોત
સુરત: સુરત સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. રાતે એકાએક કંપનીના વિસલમાંથી કેમિકલ લીક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનામાં ચાર કામદારોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
સુરતના સચિન જીઆઇડીસીમાં અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાએક આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી. કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા, તે સમયે જ આગ લાગી હતી. આ આગ જોતજાતામાં ખૂબ જ પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગની જાણ થતા ૩૦થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ત્યાર બાદ અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો હોવાને કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. જવલનશીલ કેમિકલનો ઉપયોગ થતો હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવો પણ મુશ્કેલ હતો. ફેક્ટરીમાં કેમિકલના ડ્રમ ભરેલા હોવાથી ધડાકાભેર ડ્રમ ફાટવાથી ભયનો માહોલ ઉભો થયો હતો. સમગ્ર ઘટનામાં ચાર કામદારના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. અન્ય ઈજાગ્રસ્ત કામદારોને સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયર બ્રિગેડ આ ઘટનામાં કંપનીમાં ફસાયેલા ૧૦ જેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા અને સહી સલામત બહાર કાઢ્યા હતા.
સચિન જીઆઇડીસી અનુપમ રસાયણ નામની કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આગ પર કાબુ મેળવી લેવાયો છે અને કુલિંગની કામગીરી ચાલી રહી છે. ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવી લીધા બાદ કુલિંગની કામગીરી હાથ ધરી હતી. ત્યાર બાદ ફાયરબ્રિગેડ દ્વારા કંપનીમાં તપાસ શરૂ કરી હતી.