નારોલમાં શાહવાડી વિસ્તારમાં જીન્સ વોશિંગ અને ફિનિશિંગ કરતી કંપનીમાં ભીષણ આગ લાગી
શહેરના શાહવાડી વિસ્તારમાં જીન્સના વોશિંગ અને ફિનિશિંગ કરતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ત્રણ માળની કંપનીના બેથી ત્રણ યુનિટમાં આગ લાગતા ફાયરબ્રિગેડની ૧૬થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગના કારણે કંપનીમાં રહેલો જીન્સનો મોટો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો.
ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમ તરફથી મળતી માહિતી મુજબ, શાહવાડી વિસ્તારમાં મોતીપુરા ક્રોસ રોડ પાસે શ્યામજ્યોત એસ્ટેટમાં આવેલી ગ્લોબે ડેનવોશ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે જીન્સ વોશિંગ અને ફિનિશિંગ યુનિટ ધરાવે છે તેમાં આગ લાગી હતી. ત્રણ માળની કંપનીના ત્રણેક યુનિટમાં આગ લાગી હતી અને કંપનીમાં રહેલા જીન્સના મટીરીયલ બળીને ખાખ થઇ ગયું હતું અંદાજે ૫૦ ટન જેટલા મટીરીયલને નુકસાન થયું હતું. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ૧૦ ગજરાજ, ૩ મીની ફાયર વોટર ટેન્કર સાથે ૪૮ ફાયરમેન, ૧ સબ ફાયર ઓફિસર, ૨ સ્ટેશન ઓફિસર, ૧ ડીવીજીનોલ ઓફિસર અને ૧ ચીફ ફાયર ઑફિસરની ટીમ દ્વારા સમગ્ર આગને ચાર કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. ૫ વોટર કેનન અલગ અલગ જગ્યા પરથી ફાયર ફાઈટિંગ કરવામાં આવ્યું હતું.
આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. આગની ઘટનાને પગલે પોલીસે એફ.એસ.એલ.ની ટીમને પણ જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.