વલસાડ જિલ્લામાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા ચકચાર મચી
વલસાડ જિલ્લામાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા ચકચાર મચી ગઈ હતી. જે વિસ્તારોમાંથી બર્ડફલુના પોઝિટિવ કેસ મળી આવ્યા છે તે વિસ્તારના એક કિલોમીટરના વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરી અને વલસાડ જિલ્લા કલેક્ટરે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે, અને આ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલા પોલ્ટ્રી ફાર્મોમાંથી પક્ષીઓ ઈંડા કે પોલ્ટ્રી ફાર્મના સામાનની આવન-જાવન પર પણ રોક લગાવી દેવામાં આવી છે. આમ વલસાડ જિલ્લામાં પણ હવે બર્ડફલુનાં પગ પેસારો ને કારણે જિલ્લાનું વહીવટીતંત્ર , પશુપાલન વિભાગ અને વનવિભાગ પણ દોડતું થયું છે.
મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ વલસાડ જિલ્લા મા કેટલાક વિસ્તારોમાંથી કાગડાના શંકાસ્પદ મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા હતા. વલસાડ શહેરના સુઘડ ફળિયા વિસ્તારમાં સતત બે દિવસ સુધી કાગડાઓના શંકાસ્પદ મોત ની ઘટનાઓ બની રહી હતી સાથે જ વલસાડના અટગામ વિસ્તારમાં પણ કાગડાના શંકાસ્પદ મોતની ઘટના સામે આવી હતી.
આથી પશુપાલન વિભાગ અને વન વિભાગે શંકાસ્પદ રીતે મોતને ભેટેલા કાગડાઓ ના મૃતદેહના સેમ્પલો ભોપાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાંથી ભોપાલની લેબોરેટરીમાં સાત કાગડાના મૃતદેહના સૅમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી આજે ૪ કાગડાના મૃતદેહના સેમ્પલ બર્ડ ફ્લુ પોઝીટીવ આવતા જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. જિલ્લા માં બર્ડ ફ્લુ ની એન્ટ્રી બાદ જિલ્લાનું વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું હતું અને વલસાડ જિલ્લા કલેક્ટરે જિલ્લાના પશુપાલન વિભાગ, વન વિભાગ અને આરોગ્ય વિભાગને પણ જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
સાથે જ વલસાડના સુઘડ ધફળિયામાંથી અને અટગામમાંથી જ્યાંથી કાગડાના શંકાસ્પદ મોતના કેસમાં આ કાગડાના મોત બર્ડ ફ્લુ ને કારણે થયા હોવાની પુષ્ટી એ વિસ્તારોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા અને આ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલા તમામ પોલ્ટ્રી ફોર્મમાંથી પક્ષીઓની અને પોલ્ટ્રી ફાર્મ ના સામાનની અવરજવર પર રોક લગાવી દેવાના આદેશ કર્યા હતા.