જીપીસીબી મિશન લાઈફ અંતર્ગત ‘વેસ્ટ રિડ્યુસ્ડ’ પર કરી રહ્યું છે હેકાથોન; રજીસ્ટ્રેશન, ઈનામ વિશે જાણો વિગતવાર
ગાંધીનગરઃ લાઈફનો અર્થ છે – લાઈફસ્ટાઇલ ફૉર ઇન્વાર્યમેન્ટ, જેની શરૂઆત ગ્લાસગોમાં આયોજિત ગ્લોબલ લીડર્સ સમિટમાં 2021 UNFCCC COP-26 દરમિયાન વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ટકાઉ જીવનશૈલી અને વ્યવહાર અપનાવવા માટે વૈશ્વિક ધ્યેયની પુનઃ સિદ્ધિ માટે હાકલ કરી હતી. ત્યારે આ ઉજવણી નિમિત્તે મિશન લાઈફ પર દેશભરમાં લોકભાગીદારીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દિશામાં રાજ્યમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા મિશન લાઈફ અંતર્ગત હેકાથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો વિષય છે ‘વેસ્ટ રિડ્યુસ્ડ’.
આપણા ગ્રહ પૃથ્વી માટે વધુ ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવા માટે વિવિધ પ્રકારના કચરાને ઘટાડવા, પુનઃઉપયોગ અને રિસાયકલ કરવાના પડકારોનો સામનો કરવા માટે આપની સર્જનાત્મકતા અને નવીનતા લાવવા માટે નોંધણી કરાવવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
આ હેકાથોનમાં કોણ ભાગ લઇ શકે છે, રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય, ઈનામની રકમ કેટલી છે તે સહિતની વિગતો વિશે જાણો
વિષયઃ
મિશન લાઈફ અંતર્ગત જીપીસીબી દ્વારા આયોજિત હેકાથોનનું આયોજન મારવાડી યુનિવર્સિટી, રાજકોટની સહયોગિતા સાથે કરવામાં આવી રહ્યું છે. આ હેકાથોન સૉલ્યુશન ફૉર વેસ્ટ રિડક્શન (કચરા ઘટાડાના ઉકેલો) પર આયોજિત થઇ રહી છે, જેમાં હઝાર્ડસ વેસ્ટ, ઇ-વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ઘટાડાના ઉકેલોને આમંત્રિત કરવામાં આવી રહ્યાં છે.
હેકાથોનનો ઉદ્દેશઃ
આ હેકાથોનનો ઉદ્દેશ જોખમી કચરો, ઈ-કચરો, પ્લાસ્ટિક કચરો, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વગેરે માટે કચરો ઘટાડવા માટે નવીન ઉકેલો પ્રદાન કરવા, કચરાને પુરવઠા શૃંખલામાં એકીકૃત કરીને તેમાં મૂલ્ય ઉમેરવાના માર્ગો શોધવા, અસરકારક કચરાના વ્યવસ્થાપન માટે તકનીકી ઉકેલો મેળવવા અને 3 આર રીડ્યૂસ । રીયૂઝ । રિસાયકલને પ્રોત્સાહન આપવાનો રહેલો છે.
કોણ ભાગ લઈ શકે છે?
તમામ સ્નાતક, અનુસ્નાતક વિદ્યાર્થીઓ પ્રાધાન્યમાં એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી તેમજ વિજ્ઞાન ક્ષેત્રો અને કોઈપણ સંસ્થાના ઇન્ક્યુબેશન સેન્ટર સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ્સ આ હેકાથોનમાં ભાગ લઈ શકે છે. નોંધણી સામાન્ય લોકો માટે પણ ખુલ્લી રહેશે તેમજ સસ્ટેનેબિલિટીમાં રસ ધરાવનાર અને સર્ક્યુલર ઈકોનોમીના વિચારને પ્રોત્સાહન આપવા માટે તત્પર કોઈપણ વ્યક્તિ ભાગ લેવા માટે અરજી કરી શકે છે.
હેકાથોન ટાઇમલાઇનઃ
હેકાથોન માટે રજીસ્ટ્રેશન 11 મે, 2023થી 22 મે, 2023 સુધી કરાવી શકાશે. ત્યારબાદ, 25 મે, 2023ના રોજ છાંટવામાં આવેલા આઈડિયા (વિચારો)ની જાહેરાત કરવામાં આવશે. પસંદગી પામેલા આઈડિયા (વિચારો) પર મંથન અને રજૂઆત તારીખ ર જૂન, 2023ના રોજ કરવામાં આવશે. અંતે તારીખ 5 જૂન, 2023ના રોજ વિજેતા પરિણામ જાહેર કરવામાં આવશે.
આ હેકાથોન ઑનલાઈન મોડ ફોર્મેટમાં યોજાશે. જેમાં એક ટીમમાં વધુમાં વધુ ત્રણ સભ્યો અને 1 શૈક્ષણિક/ ઔદ્યોગિક માર્ગદર્શક રહેશે.
રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલો ક્યૂઆર કોડ સ્કેન કરો
આ હેકાથોનમાં વિજેતાઓ માટે રોકડ ઈનામ જીતવાની તક છે. જીપીસીબી દ્વારા સમર્થિત આ ઈનામી રકમમાં પ્રથમ ઈનામ રૂ.50,000, દ્રિતીય ઈનામ રૂ.25,000 અને તૃતીય ઈનામ તરીકે રૂ.15,000નો સમાવેશ થાય છે.
પ્રોમ્લેમ સ્ટેટમેન્ટ્સઃ
- એક સ્માર્ટ વેસ્ટ કલેક્શન સિસ્ટમ ડિઝાઇન કરો, જે નાગરિકોને તેઓ નિકાલ કરવા માગતા વિવિધ પ્રકારના ઘન કચરાને અલગ કરી શકે અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ તેને કાર્યક્ષમ રીતે એકત્રિત કરી શકે. સિસ્ટમ મોબાઈલ એપ (એન્ડ્રોઇડ) આધારિત હોવી જોઈએ. (અ) ગાર્બેજ કલેક્ટર અને (બ) નાગરિક માટે ઇન્ટરફેસ.
- કચરાના યોગ્ય નિકાલ સાથે ઝીરો વેસ્ટ સોસાયટીની સ્થાપના કરવાનો ઉકેલ
- પ્લાસ્ટિકના કચરાનું ટ્રેકિંગ, રીડ્યુઝ અને રીસાયકલ
- ખાદ્ય કચરા (ફૂડ વેસ્ટ)ને ઉપભોજ્ય કાર્બનિક સંસાધન તરીકે ઉપયોગ કરવો
- સિંગલ યુઝ પ્લાસ્ટિક અને અન્ય વિવિધ ઔદ્યોગિક કચરાના સંગ્રહ અને ઉપયોગ માટે બિઝનેસ મૉડલનો વિકાસ
- ઓપન એન્ડેડ પ્રોબ્લેમ – ઘન/પ્રવાહી કચરો ઘટાડવા માટે ટેકનિકલ સોલ્યુશન્સ
- બાયોડિગ્રેડેબલ વેસ્ટમાંથી બાયો-ગેસનું ઉત્પાદન
- ઇ-વેસ્ટ મેનેજમેન્ટ
- આરઓ રિજેક્ટ પાણીના રીયૂઝ/રિસાયક્લિંગની શક્યતા
- વૈકલ્પિક બળતણ અને કાચો માલ (એએફઆર) તરીકે લેંડફિલ અને બાળી શકાય તેવા જોખમી (હઝાર્ડસ) કચરાને રૂપાંતરિત કરવાના ઉકેલો
- વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત સમસ્યા