રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ સમાપ્ત
નવી દિલ્હી:કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય રાહુલ ગાંધીને ગુજરાતની અદાલતે માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવ્યાના એક દિવસ બાદ શુક્રવારે સંસદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.
લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહી જનપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી છે.
સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ તેમના ગુનાહિત બદનક્ષીભર્યા નિવેદન અંગે 2019માં દાખલ કરાયેલા કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેમને સજા સામે ઉચ્ચ અદાલતમાં જવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધી દ્વારા ચોક્કસ જાતિ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ઘણા કાનૂની નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આવા કિસ્સામાં રાહુલ ગાંધીની સંસદસભ્ય તરીકેની લાયકાત તરત અને આપોઆપ અસરકારક બની જાય છે. જોકે કોર્ટે 15,000 રૂપિયાના બોન્ડ પર તેના જામીન મંજૂર કર્યા છે.
કોંગ્રેસે આ કેસને કાયદાનું ખોટું અર્થઘટન ગણાવ્યું છે અને કહ્યું છે કે તે તેની સામે અપીલ કરશે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે દેશના દરેક નાગરિક કાયદાની નજરમાં સમાન છે.