ગાંધીનગરના સેક્ટર-૨૩ના એક ફ્લેટ – કોર્ટ પાસેના ઝૂંપડામાં મધરાતે આગ, ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ
ગાંધીનગરનાં સેકટર – ૨૩ નાં યોગેશ્વર ફ્લેટના મીટર બોક્સ તેમજ કોર્ટ પાસેના એક ઝૂંપડામાં ગઈકાલે મધરાતે આગની ઘટતાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બંને સ્થળોએ પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે બંને આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ગાંધીનગર શહેરમાં ગઈકાલે મધરાતે બે સ્થળોએ આગની ઘટના ઘટી હતી. સેકટર – ૨૩ દેસાઈ નર્સિંગ હોમની પાસે આવેલી યોગેશ્વર ફ્લેટનાં મીટર બોક્સમાં અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતાં વસાહતીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસના વસાહતીઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આ બનાવના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. તેમજ વીજ કનેકશન બંધ કરી દેવામાં આવ્યું હતું.
ફાયર બ્રિગેડ બ્રિગેડની પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ થવાથી મીટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં ગાંધીનગરની કોર્ટ બિલ્ડિંગ પાસેની જગ્યામાં એક ઝૂંપડામાં પણ વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અહીં પણ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જયારે અહીં કોઈ ઝેરોક્ષનાં ધંધાદારી એ છાંયડા માટે ઝૂંપડું બનાવ્યું હોવાનું ફાયર ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જો કે ઝૂંપડામાં આગ કયા કારણસર લાગી તે જાણવા મળ્યું ન હતું. ત્યારે બંને આગના બનાવોમાં કોઇ જાનહાનિ નહીં થતાં ફાયર બ્રિગેડે રાહતનો દમ લીધો હતો.