WHOએ ચીનને સ્પષ્ટ કહ્યુ “કોરોના સંક્રમણના કેસ સાર્વજનિક કરો”, ત્યારે ચીને સાચો આંકડો જણાવ્યો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) શુક્રવારે કોવિડ-૧૯ કેસ દબાવવા માટે ચીનને ઠપકો આપ્યો હતો. તેના એક દિવસ પછી બેઇજિંગે રિપોર્ટ બહાર પાડ્યો હતો કે, ગયા મહિનાની શરૂઆતથી દેશમાં લગભગ ૬૦,૦૦૦ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. હકીકતમાં ચીનમાં કોરોના સંક્રમણના વધારાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યારે હોસ્પિટલો અને કબ્રસ્તાનોમાં ભીડ હોવા છતાં, કેસ અને મૃત્યુના સત્તાવાર આંકડા ઓછા બતાવવામાં આવી રહ્યા છે. તેથી ડબ્લ્યૂએચઓએ ચીનને રીઅલ-ટાઇમ ડેટા શેર કરવા વિનંતી કરી હતી, જેથી અન્ય દેશો અસરકારક રીતે જવાબ આપી શકે. ધ હિન્દુના રિપોર્ટ પ્રમાણે, ડબ્લ્યુએચઓએ ચીનને રોગચાળાની સ્થિતિ વિશે વધુ માહિતી પ્રદાન કરવા જણાવ્યું છે. તેમાં હોસ્પિટલમાં દાખલ થવા સહિત રોગની અસર, દેશમાં કેટલી રસી મળી છે, સઘન સંભાળ અને મૃત્યુનો ડેટા રજૂ કરવા સુધીનો સમાવેશ થાય છે.
WHOએ પણ વધુ જોખમ ધરાવતા લોકો માટે ગંભીર રોગ અને મૃત્યુ સામે રક્ષણ આપવા રસીકરણ અને બુસ્ટર ડોઝના મહત્વની જાણકારી ફરીથી આપી છે. બેઇજિંગના નેશનલ હેલ્થ કમિશનના ડિરેક્ટર મા ઝિયાઓવેઇ સાથેની વાતચીત દરમિયાન, WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે ચીનના ઊંડા સહયોગ અને પારદર્શિતાના મહત્વની વાત ફરીથી કરી અને ચીનને કોરોના વાયરસના ડેટા મામલે વધુ વિસ્તૃત વિશ્લેષણ કરવા માટે જણાવ્યું છે. જેથી ખબર પડી શકે કે કયો વેરિયન્ટ આ તબાહી માટે જવાબદાર છે. ડબ્લ્યુએચઓએ ચીનને કહ્યું કે, આ બેઠક ચીનની સ્થિતિ વિશે વધુ માહિતી મેળવવા અને વધુ સમર્થન આપવા માટે યોજવામાં આવી હતી. આ મીટિંગમાં ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગ અને રોગ નિયંત્રણ અને નિવારણ માટેના રાષ્ટ્રીય વહીવટીતંત્રના અધિકારીઓએ WHOને ચીનની વ્યૂહરચના અને રોગચાળા, વેરિઅન્ટ મોનિટરિંગ અને રસીકરણ અંગેની કાર્યવાહી વિશે માહિતી આપી હતી. જ્યારે WHOએ ચીન પર આકરા પ્રહારો કર્યા ત્યારે ચીનના નેશનલ હેલ્થ કમિશનએ શનિવારે કહ્યું કે, દેશમાં ૮ ડિસેમ્બરથી ૧૨ જાન્યુઆરી વચ્ચે કોવિડને કારણે ૫૯,૯૩૮ લોકોના મૃત્યુ થયા છે. ૨૦૧૯ના અંતમાં ચીનના શહેર વુહાનમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયાના લગભગ ત્રણ વર્ષ પછી કેસોમાં વધારો થયો છે. ત્યારથી ૬૫૦ મિલિયન (૬૫ કરોડ)થી વધુ પુષ્ટિ COVID કેસ અને ૬.૬ મિલિયન (૬૬ લાખ)થી વધુ મૃત્યુ નોંધાયા છે. પરંતુ વિશ્વ ચીન પર વિશ્વાસ કરવા સક્ષમ નથી, કારણ કે તેણે આંકડા છુપાવ્યા છે.