અમેરિકામાં હિમવર્ષાથી વિમાનો સેવા થઇ રદ્દ, ઘરોમાં વીજળી થઇ ગુલ, ૪૮ના પણ મોત થયા
અમેરિકામાં બરફના તોફાને હાહાકાર મચાવ્યો છે. જેને કારણે અમેરિકામાં હાલ જનજીવન ખોરવાયું છે. મહાસત્તા અમેરિકામાં હાલ મોતનું તાંડવ ચાલી રહ્યું છે. અમેરિકામાં બોમ્બ સાયક્લોને કેવો કહેર મચાવ્યો છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે કાર અને મકાનમાંથી લોકોની લાશ બહાર કાઢવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અહીંયા ૪૮ ઈંચ જેટલો બરફ વરસતાં લોકોનું રસ્તા પર ચાલવું પણ મુશ્કેલી બની ગયું છે. એટલું જ પાવર સ્ટેશન પર બરફવર્ષાના કારણે વિજળી સપ્લાય પર અસર થઈ છે. દક્ષિણ અમેરિકા પણ ઠંડીથી થીજી ગયું છે. જેના કારણે નવા વર્ષની ઉજવણીમાં ખલેલ પહોંચે તેવી શક્યતા છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા પ્રમાણે ફ્લોરિડાના મિયામી, ટેમ્પા,ઓરલેન્ડ અને વેસ્ટ પામ બીચમાં ૨૫ ડિસેમ્બરે ૧૯૮૩ પછી સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. બરફના તોફાનથી અમેરિકા, કેનેડા અને જાપાનમાં હાહાકાર. અમેરિકામાં ૪૮ લોકોનાં તો જાપાનમાં ૧૭ લોકોનાં મૃત્યુ પામ્યાં છે. અમેરિકાના મોન્ટાના સ્ટેટમાં માઈનસ ૪૫ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે જજુમી રહ્યું છે. એવામાં આ મહસત્તા કહેવાતું અમેરિકા પણ તેમાંથી બાકાત નથી. હાલ અમેરિકામાં અફરાંતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમેરિકામાં અફરાંતફરીનું કારણ છે બરફનું તોફાન. સામાન્ય રીતે જે સ્નોફોલ જોવા અને જેની મજા માણવા માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે એ જ બરફ જ્યારે તોફાનનું સ્વરૂપ ધારણ કરે ત્યારે કેવી સ્થિતિ સર્જાય એનાથી હાલ દરેક અમેરિકન વાકેફ થઈ ગયા છે. અમેરિકામાં આવેલાં બોમ્બ ચક્રવાતને કારણે હાલ હજારો વિમાનો થંભી ગયા છે. મુસાફરો અટવાયેલાં છે અને ધંધા-રોજગારને માઠી અસર પહોંચી રહી છે. બરફના તોફાનને જોતા એરલાઈન્સે આ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. સમગ્ર અમેરિકામાં બરફની સાથે બરફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. કેનેડાની સરહદ નજીક હાવરે, મોન્ટાનામાં માઈનસ ૩૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. વિમાન, રેલ સહિતની પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ છે. અનેક જગ્યાએ વાહનો બરફમાં ફસાયા છે.
આ સિવાય ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. હજારો અમેરિકનો એરપોર્ટ પર ફસાયેલા છે. ૨૦ કરોડ લોકો એટલે કે દેશની લગભગ ૬૦ ટકા વસ્તી કડકડતી ઠંડીનો સામનો કરી રહી છે. સમગ્ર અમેરિકામાં તોફાન માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દેશની ઉર્જા વ્યવસ્થા પડી ભાંગી છે. વાવાઝોડાને કારણે ટ્રાન્સમિશન લાઈનોને નુકસાન થયું છે. ૨૦ લાખથી વધુ ઘરોમાં વીજળી ફેલ થઈ ગઈ છે.