ભચાઉમાં ૩.૬ તો વાંસદામાં ૩.૩ની તીવ્રતાના આંચકા, લોકો દોડ્યા ઘરની બહાર
ગુજરાતની બે ધરા ફરીવાર ધ્રૂજી છે. કચ્છ અને નવસારી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. ભચાઉના ધોળાવીરા ગામથી ૨૬ કિલોમીટર દૂર ૩.૬ની તીવ્રતાનો આંચકો રાત્રિના અનુભવાયો હતો. તો નવસારીના વાંસદામાં ભૂકંપના આંચકાની તીવ્રતા ૩.૩ નોંધાઈ છે.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદાથી ૩૭ કિલોમીટર દૂર વલસાડ નજીક નોંધાયું છે. આ પંથકમાં છેલ્લા બે મહિનામાં વારંવાર ભૂકંપના આંચકા આવતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. નવસારી જિલ્લામાં છેલ્લા ૬ મહિનામાં ઘણી વખત ભૂકંપના હળવા આંચકા આવ્યા છે. ત્યારે ૩.૩ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાતાવરણમાં થતા ફેરફાર સહિત જમીનની નીચે આવેલી પ્લેટમાં થતા ફેરફારને કારણે અથવા કેલિયા અને જૂજ ડેમમાં આ વખતે પાણીની આવક વધી છે, એને કારણે સંભવિત રીતે ભૂકંપના આંચકા હોવાનું અનુમાન ડિઝાસ્ટર દ્વારા સેવવામાં આવી રહ્યું છે.
રાત્રિના ભચાઉ તાલુકાના દુર્ગમ ખડીર બેટ પરના વૈશ્વિક ધરોહર ધરાવતા ધોળાવીરા ગામથી ૨૬ કિલોમીટર દૂર ૩.૬ની તીવ્રતા ધરાવતો આંચકો આવતાં સ્થાનિક લોકોમાં પણ તેના અનુભવની અરસપરસ પૂછપરછ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે કચ્છમાં વાગડ વિસ્તારમાં આફ્ટરશોકનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે. માસની તા. ૨ના ભચાઉથી ૧૩ કિલોમીટર દૂર ૩.૪નો આફ્ટરશોક નોંધાયો હતો, જ્યારે તા. ૧૮ સેપ્ટેમ્બરના રાપરથી ૭ કિલોમીટર દૂર ૩.૨ની તીવ્રતાનો આંચકો રિકટર સ્કેલ પર અંકિત થયો હતો. જોકે આ આંચકાઓ નુકસાનજનક નથી. વાંસદા તાલુકામાં અવારનવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાતા હોય છે. દોઢ વર્ષ અગાઉ ગાંધીનગરથી સિસ્મોલોજિકલ સર્વેની ટીમ વાંસદાની મુલાકાતે આવી હતી અને ભૂકંપને લઇને રિચર્ચ કર્યું હતું, જોકે કોઈ ચોક્કસ કારણ જાણવા મળી શક્યું ન હતું.