સુરતમાં વડાપ્રધાન મોદીના હસ્તે શહેરમાં ૩૪૭૨.૫૪ કરોડનાં ૫૯ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદીની સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા. ત્યાર બાદ હેલિપેડથી રોડ-શોની શરૂઆત થઈ હતી. રોડ-શો બાદ ખુલ્લી કારમાં સભા સ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે સુરતમાં નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. વડાપ્રધાન મોદીના હસ્તે શહેરમાં ૩૪૭૨.૫૪ કરોડનાં ૫૯ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે, નવરાત્રિના ઉપવાસમાં સુરત આવો અને સુરતનાં જમણ વિના જાઉં એ કઠિન છે. સુરતે ચાર ‘પી’નું ઉદાહરણ પુરૂ પાડ્યું છે અને ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને હવે ઈલેક્ટ્રીક વ્હિકલવાળું સિટી તરીકે ઓળખાશે. વડાપ્રધાન મોદી સંબોધન કરવા ઊભા થતાં જ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. ત્યાર બાદ મોદીએ સુરતવાસીઓને નવરાત્રિની શુભેચ્છા આપી હતી.
નવરાત્રિના ઉપવાસમાં સુરત આવવાનું થાય એ થોડું કઠિન છે. સુરત આવો અને સુરતનું જમણ વિના જાઉં એ કઠિન છે. સુરતની ધરતી પર મોટા પાયે થયેલા પ્રકલ્પોના લોકાર્પણનો હિસ્સો બનીશ. સુરત શહેર લોકોની એકતા અને જનભાગીદારી બંનેનું ઉદાહરણ છે. ભારતના દરેક વિસ્તારના લોકો સુરતમાં રહે છે. એક પ્રકારે મિની ભારત છે. શ્રમનું સન્માન કરનારું શહેર છે. વિકાસની દોડમાં જે પાછળ રહી જાય છે તેને હાથ પકડી આગળ લઈ જાય છે. છેલ્લાં ૨૦ વર્ષમાં સુરતે અન્ય શહેરની સામે વધુ પ્રગતિ કરી છે. સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સ્થાન મળ્યું છે. દેશમાં ત્રણ પી પર કામ ચાલી રહ્યું છે. જ્યારે સુરત ચાર ”નું ઉદાહરણ બન્યું છે. પીપલ, પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશિપનું ઉદાહરણ બન્યું છે. દુનિયાના વિકસતાં સિટીમાં સુરતને સ્થાન મળ્યું છે. સુરતમાં ઘોઘાથી હજીરા જવા માટે માત્ર ત્રણથી ચાર કલાકમાં પહોંચી જવાય છે. રો રો ફેરીના કારણે કનેક્ટિવિટી ખૂબ જ ઝડપથી થઈ ગઈ છે. આવનારા દિવસોમાં વધુ જળમાર્ગના રૂટ શરૂ કરવાની યોજના પર કામ કરીશું. પૂર્વી યુપીની અંદર અનેક ટ્રકોથી સામાન મોકલવામાં આવતો હતો હવે પોસ્ટલ અને રેલ્વે ડિપાર્ટમેન્ટ એ મળીને નવો પ્રયોગ કર્યો છે. રેલવે પોતાના કોષની ડિઝાઇન બદલી છે કે જેમાં કાર્ગો ફીટ થઈ જાય છે. કાર્ગોમાં એક ટનનું કન્ટેનર પણ બનાવ્યું છે જેને સરળતાથી ઉતારવું અને ચડાવી શકાય છે.
સુરતથી કાશીની સીધી એક ટ્રેન પણ ચલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ટ્રેન સુરતથી માલ ભરીને કાશી લઈ જશે. જેનો ખૂબ મોટો લાભ સુરતના વેપારીઓને થશે. ઇલેક્ટ્રાક ગાડીના વપરાશ માટે પણ સુરત ઓળખીતું થશે. ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને હવે ઈલેક્ટ્રીક વ્હિકલવાળું સિટી તરીકે ઓળખાશે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ઈલેક્ટ્રીક વ્હિકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે. સુરતને હું અભિનંદન પાઠવું છું. ૨૫ ચાર્જિંગ સ્ટેશનોનું લોકાર્પણ થયું છે. આગામી દિવસોમાં ૫૦૦ જેટલાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે આ ખૂબ મોટી વાત છે. છેલ્લા બે દાયકામાં સુરત જે વિકાસના પથ ઉપર આગળ વધી રહ્યો છે તે આગળના વર્ષોમાં વધુ ઝડપથી ચાલશે. ડબલ એન્જિનની સરકાર આ વિકાસને કારણે લોકોનો વિશ્વાસ વધે છે. આને કારણે બધાનો જ પ્રયાસ વિકાસ માટે થતો હોય છે. આવા વિકાસ માટે સુરત તેઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. સુરતે ઉદાહરણ રૂપ પ્રગતિ કરી છે ભારતમાં સુરત જેવા અનેક શહેરો છે પરંતુ સુરત એ બધાને પાછળ પાડી દીધા છે અને આ શક્તિ ગુજરાતમાં છે. આ ગુજરાતની શક્તિને આંચ ન આવે. ગુજરાતની વિકાસયાત્રાને કોઈ ઉણપ ન રહે એના માટે કોટી કોટી ગુજરાતીઓ સંકલ્પબદ્ધ છે.
ગોડાદરા મહર્ષિ આસ્તિક વિદ્યાલયના મેદાનના હેલિપેડથી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સભા સ્થળ સુધીના ૨.૭૦ કિમીના રૂટ પર મેગા રોડ શો યોજાયો હતો. સુરતમાં વસતા વિવિધ સમાજના અગ્રણીઓ અને નાગરિકોએ તેમને પુષ્પવર્ષાથી વધાવ્યા હતા. રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. હાલ મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચી ગયા છે. સુરતની લિંબાયત વિધાનસભા મતવિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રિયન સમાજ રહે છે. ભાજપ પ્રદેશ સીઆર પાટીલના લોકસભાનો આ વિધાનસભા વિસ્તાર છે. નરેન્દ્ર મોદીના આગમનને લઈને મહારાષ્ટ્ર સમાજમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન પર મહારાષ્ટ્રિયન સમાજનાં બાળકો દ્વારા લોકગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. રોડ શો રૂટ પર બેરિકેડિંગ સહિતની તૈયારી કરાઈ છે. સમગ્ર રૂટ પર ૮ કલાક પૂર્વેથી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તમામ ક્રોસિંગ પર સીસીટીવી દ્વારા મોનિટરિંગ થશે. એટલું જ નહીં, રોડ શો દરમિયાન માર્ગ પર કોઈ પશુ પણ વચ્ચે આવી ન શકે એ રીતે રહેણાક વિસ્તારોની ફૂટપાથ આડે જાળીઓ ફિટ કરાઈ છે. કેન્દ્ર સરકારે કામરેજના ખોલવડ ખાતે ૧૨ કરોડના ખર્ચે નિર્મિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનું લોકાર્પણ કરાશે. આઈટીના અભ્યાસને વેગ મળશે અને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મળી રહેશે.
સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે વ્યાવસાયિક આદાનપ્રદાન તેમજ મુસાફરોની હેરફેર માટે ૭૦ કરોડના ખર્ચે હજીરા ખાતે હજીરાથી ઘોઘા રોપેક્સ ફેરીના ટર્મિનલનું લોકાર્પણ કરાશે. બે વર્ષ અગાઉ હજીરાના અદાણી પોર્ટ ટર્મિનલ પર કામચલાઉ ધોરણે રોરો, રોપેક્સ ફેરી શરૂ કરાઈ હતી. હવે પંડિત દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા હજીરા ખાતે નવનિર્મિત ટર્મિનલ પર ફેરી સેવા ઉપલબ્ધ બનશે.