ઉમરસાડી ખાતે નાણાંમંત્રીની ઉપસ્થિતીમાં વન મહોત્સવ યોજાયો
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડીની જે.વી. બી. એસ. હાઇસ્કૂલ ખાતે ૭૩ મા પારડી તાલુકાનો વન મહોત્સવ યોજાયો હતો. જે દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ હાઇસ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું. આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોએ આ લાભાર્થીઓને નિધૂર્મ ચૂલા અને આંબા કલમોનું વિતરણ કર્યુ હતું. અત્યાર સુધીમાં આવા ૨૨ વનો રાજ્યભરમાં તૈયાર કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતુ કે, આ વિસ્તારમાં વધુ વૃક્ષો છે અને હરિયાળી છે તે હરિયાળીને જાળવી રાખવા માટે દરેક નાગરિકે તેમના જન્મદિન નિમિત્તે, લગ્નની વર્ષગાંઠે કે સંબધીઓની સ્મૃતિરૂપે વૃક્ષો રોપવાનો સંકલ્પ કરી આ વૃક્ષોનું જતન પણ કરવું જોઇએ એમ જણાવ્યું હતું. આજે સમગ્ર દુનિયા કલાઇમેન્ટ ચેન્જથી ભયભીત છે ત્યારે, પર્યાવરણની ચિંતા કરી પર્યાવરણનું જતન કરવાની જે જાગરૂકતા જરૂરી છે.
આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વનસંરક્ષક જીનલ ભટ્ટે તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન વિભાગ દ્વારા જિલ્લામાં ૧૪ જેટલી નર્સરીઓમાં વિવિધ જાતના ૩૫.૨૦ લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે. વિભાગની જુદી જુદી યોજનાઓ દ્વારા જિલ્લામાં કુલ ૮૨૮ હેકટરમાં ૭,૫૩, ૧૩૨ રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લો રાજયમાં તમામ જિલ્લાઓ પૈકી જંગલ વિસ્તારમાં, બહારના વિસ્તારમાં સૌથી વધુ ગીચતા ધરાવતો જિલ્લો છે જેથી આ જિલ્લામાં હેકટર દીઠ ૬૯ વૃક્ષો છે. ફાર્મ ફોરેસ્ટ્રી યોજના હેઠળ ગ્રામપંચાયત અને ખેડૂતની જમીન પર વન વિભાગ દ્વારા ૪૦૦ હેકટરમાં નીલગીરી, શરૂ, બાવળ વગેરે જાતોના કુલ ૪ લાખ રોપાઓના વાવેતરની કામગરી ચાલુ છે. વૃક્ષો ખેતી યોજના હેઠળ ખેડૂતોની જમીનમાં ખેડૂતો દ્વારા ૨૪૦ હેકટરમાં ૨૪ હજાર રોપાઓનું વાવેતર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે.