અમદાવાદમાં ખરાબ રસ્તાઓ રિપેર ન થતાં ફૂલહાર ચડાવી વિરોધ કરાયો
દર વર્ષે ચોમાસું આવે અને રસ્તાઓ ધોવાઈ જાય છે, ખાડા પડી જાય છે જાણે અમદાવાદમાં રસ્તાઓ બન્યા જ ન હોય તેવી હાલત જોવા મળે છે ત્યારે અમદાવાદના રોડ રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે કે પ્રજા હવે ફરિયાદો કરી કરી અને થાકી ગઈ છે છતાં પણ ભાજપના કોર્પોરેટરો અને અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. શહેરના નવા વાડજ વિસ્તારમાં ભાવસાર હોસ્ટેલની પાછળના ભાગે આવેલા સ્વામિનારાયણ મંદિર પાસેના રોડ પર ખાડા પડી ગયા છે અને આખો રોડ તૂટી ગયો છે, છતાં પણ રોડ પર ખાડા પૂરવાની કે તેને રીપેર કરવાની કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિક લોકો રોષે ભરાયા છે.સ્થાનિક લોકોએ અનેક વખત કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં પણ કામગીરી ન કરવામાં આવતા રોડની અંતિમ વિધિ કરી તેને ફૂલહાર ચડાવ્યા હતા. કરુણા પાર્ક સોસાયટી, જુહુ પાર્ક સોસાયટી અને સ્વસ્તિક સ્કૂલ પાસેનો રોડ ચોમાસા પહેલા ખરાબ થઈ ગયો હતો.
એક વર્ષ પહેલા સરફેસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચોમાસામાં આ રોડમાં ખાડા પડી ગયા હતા. આ રોડ ઉપર સ્કૂલ અને મંદિર આવેલા છે રોજના હજારો લોકો આવર-જવર કરે છે. રોડ પર ખાડા પડી ગયા હોવાથી અનેક વખત સ્થાનિક કોર્પોરેટરો ને રજૂઆત કરી હતી પરંતુ તેઓ દ્વારા ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. આ રોડ એટલો ખરાબ થઈ ગયો છે કે રોજના ચારથી પાંચ લોકો પડે છે અને બાળકો તેમજ વૃદ્ધો અકસ્માતનો ભોગ બને છે. સ્વાગત ફ્લેટથી લઇ અને આંખો પાલવ દુકાન સુધી આખો રોડ ખરાબ થઈ ગયો છે અનેક વખત કોર્પોરેટરો અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ રોડ સરખો કરવામાં આવ્યો નથી. અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસે પગાર લેશે છતાં પણ તેઓ સાંભળતા નથી રોજના અનેક લોકો રોડ ઉપર પડે છે.
સ્થાનિક ભાજપના કોર્પોરેટરોને રજૂઆત કરીએ છીએ છતાં પણ તેઓ સાંભળતા નથી આ રોડને દિવાળી પછી સરખો કરવામાં આવશે તેવો જવાબ આપવામાં આવે છે. સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં નવા વાડજ વિસ્તારમાં કરુણા પાર્ક સોસાયટીની બાજુમાં સ્વામિનારાયણ મંદિર અને સ્વસ્તિક સ્કૂલ આવેલી છે અને ત્યાં જ ચાર રસ્તા ઉપર ખાડા પડેલા છે. અવારનવાર સ્થાનિકોએ રજૂઆત કરી હતી અને છતાં પણ તેઓ દ્વારા ન સાંભળવામાં આવતા તેઓએ ગઈકાલે અનોખો વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શનમાં રોડ પર ફૂલહાર ચડાવી અને અંતિમવિધિ કરી હતી.