હિમાચલ પ્રદેશમાં પૂર-ભૂસ્ખલનમાં ૨૨ ના મોત
હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, અચાનક પૂર અને વાદળ ફાટવાને કારણે તબાહી મચાવી દીધી છે. અવિરત વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. પૂર સંબંધિત ઘટનાઓ વિશે પૂછવા પર રાજ્ય આપત્તિ વિભાગના નિર્દેશક સુદેશ કુમાર મોક્તાએ જણાવ્યું કે એક જ પરિવારના ૮ સભ્યો સહિત ઓછામાં ઓછા ૨૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં અન્ય પાંચ લોકો ગુમ છે. સમગ્ર દેશની વાત કરીએ તો વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ૩૧ લોકોના મોત થયા છે.
મૃતકોમાં ઉત્તરાખંડ અને ઓડિશામાં ૪-૪ અને ઝારખંડમાં એક સામેલ છે. સૌથી વદુ નુકસાન મંડી, કાંગડા અને ચંબા જિલ્લામાં થયું છે. સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી ૩૬ હવામાન વિભાગની ઘટનાઓ નોંધાઈ છે. તેમણે કહ્યું કે, મંડીમાં મનાલી-ચંદીગઢ નેશનલ હાઈવે અને શિમલા-ચંદીગઢ નેશનલ હાઈવે સહિત ૭૪૩ રસ્તાઓ બ્લોક થયા છે.
ડેપ્યુટી કમિશનર અરિંદમ ચૌધરીએ કહ્યું કે, માત્ર મંડીમાં ભારે વરસાદના કારણે અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ૧૩ લોકોના મોત થયા હતા અને પાંચ ગુમ થયા છે. તેમણે કહ્યું કે ગોહર વિકાસ ખંડના કાશાન ગામમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પોલીસ દ્વારા ચાર કલાકના લાંબા સર્ચ ઓપરેશન પછી એક પરિવારના આઠ સભ્યોના મૃતદેહ તેમના ઘરના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વાદળ ફાટ્યા બાદ ઘણા પરિવારોએ બાગી અને જૂના કટોલા વિસ્તારો વચ્ચે તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશ્રય લીધો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિરેક્ટર સુદેશ કુમાર મોખ્તાએ કહ્યું કે, શિમલાના ઠિયોગમાં એક કાર પથ્થર સાથે અથડાતાં બે લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. મોખ્તાએ જણાવ્યું કે ચંબાના ચૌવારીના બનેત ગામમાં સવારે લગભગ ૪.૩૦ વાગ્યે ભૂસ્ખલનને પગલે એક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ કહ્યું કે, કાંગડામાં એક કાચ્ચું મકાન ધરાશાયી થયું, જેમાં નવ વર્ષના બાળકનું મોત થયું. આ દરમિયાન હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ચક્કી પુલ શનિવારે ભારે વરસાદને કારણે તૂટી પડતાં જોગીન્દરનગર-પઠાણકોટ માર્ગ પર ટ્રેનો સ્થગિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, રેલવે અધિકારીઓએ પુલને અસુરક્ષિત જાહેર કર્યો અને પઠાણકોટ (પંજાબ) થી જોગીન્દરનગર (હિમાચલ પ્રદેશ) સુધી નેરોગેજ ટ્રેક પર ટ્રેન સેવાને સ્થગિત કરવામાં આવી છે.
હમીરપુરમાં અચાનક પૂરમાં ફસાયેલા ૩૦ લોકોને બચાવી લેવાયા હતા. મુખ્યમંત્રી જય રામ ઠાકુર અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે વહીવટીતંત્ર અસરગ્રસ્ત જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. હિમાચલ પ્રદેશ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયરે જણાવ્યું કે ભારે વરસાદને કારણે મંડીમાં મનાલી-ચંદીગઢ હાઈવે અને શોગીમાં શિમલા-ચંદીગઢ હાઈવે સહિત ૭૪૩ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. તેમણે કહ્યું કે, આજે ૪૦૭ રસ્તાઓ પુનઃ સ્થાપિત કરવામાં આવશે અને આવતીકાલ સુધીમાં ૨૬૮ રસ્તાઓ સાફ થઈ જશે. પોલીસે કહ્યું કે શોઘી અને તારા દેવી વચ્ચે સોનુ બાંગ્લામાં ભૂસ્ખલન બાદ ચંદીગઢ-શિમલા નેશનલ હાઈવે ટ્રાફિક માટે અવરોધિત કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, પથ્થરો હજુ પણ પડી રહ્યા છે અને શોઘી-મેહલી બાયપાસ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.આ વચ્ચે રાજ્યના ઘણા ભાગમાં પાણી અને વીજળીનો પુરવઠો ઠપ થઈ ગયો છે. અહીં એક બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ આરડી ધીમાને સંબંધિત વિભાગને માર્ગો સાફ કરવાના નિર્દેશ આપ્યા હતા જેથી મૂળભૂત જરૂરિયાતોનો પુરવાઠો ખોરવાઈ ના જાય. તેમણે ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની વીડિયોગ્રાફી કરવા અને અસરગ્રસ્ત લોકોને આશ્રય આપવાનો આદેશ પણ આપ્યો હતો. અગ્ર સચિવ મહેસૂલે મુખ્ય સચિવને જણાવ્યું કે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ફંડમાંથી જિલ્લાઓને રૂપિયા ૨૩૨.૩૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને રાહત અને પુનર્વસન કાર્ય માટે તમામ જિલ્લાઓ પાસે પુરતી રકમ ઉપલબ્ધ છે.