પાર્ક કરાયેલી કારમાં આગ લાગી, એક કલાકની ભારે જહેમત બાદ કાબુમાં આવી
દ્વારકાના મીઠાપુર ગામના સુરજકરાડી વિસ્તારમાં પાર્ક કરાયેલી કારમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી. જેના લીધે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને આગ બુજાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આગનું સ્વરૂપ એકદમ વિકરાળ હોવાથી આગ કાબુમાં ન આવતા, ટાટા કંપનીના ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી.
મીઠાપુર ટાટા કંપનીની ફાયર ટીમને જાણ થતા તુરંત ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો હતો. લગભગ એક કલાકની જહેમત બાદ કારમાં લાગેલ આગને કાબુમાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કાર પાર્ક કરાયેલ હોવાથી અને અંદર કોઈ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. અને કારમાં આગ શોર્ટ સર્કિટ દ્વારા લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી.