કચ્છમાં ફરી ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
કચ્છમાં આવતા રહેતા અવિરત આફ્ટરશોક વિશે ભૂકંપના નિષ્ણાત અને ભૂસ્તરશાસ્ત્રી મહેશ ઠક્કરે એક એહેવાલમાં જણાવ્યું હતું કે, કચ્છ અને ભૂંકપ એ એકેમકના પર્યાય બની ગયા છે. કચ્છ પ્રદેશમાં વર્ષોથી ધરા ધ્રુજી રહી છે. તેમાં સમયનો અપવાદ રહી છે. જોકે, હાલ આવતા આંચકાઓ વિશે નોંધ લેવાતી હોવાનું એક કારણ આધુનિક ટેકનોલોજીના સાધનો અને મીડિયા દ્વારા પ્રકાશિત ખબરના પ્રતાપે બન્યું છે. તેથી આંચકાઓ તો આવતા રહેશે તેના નિયમો અંગે જાગૃતિ રાખવી જોઈએ.
પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં આવતા દુધઈ ગામથી ઉત્તર દિશાએ રણ સરહદ નજીક સવારે ૧૧.૧૫ કલાકે ૩.૫ની તીવ્રતા ધરાવતો વધુ એક ધરતીકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર નોંધાયો હતો. જેના પગલે ભૂંકપ ઝોન ૫માં આવતા કચ્છ પંથકની ધરા ફરી ધ્રુજી હતી. જોકે, ટૂંક સમયના આંચકાઓનો અનુભવ હવે કેન્દ્રબિંદુ ધરાવતા વિસ્તારમાં જૂજ લોકોને જ થઈ રહ્યો છે, જેની સીધી અસર મકાનોમાં વર્તાતી નથી. સપ્તાહ દરમિયાન જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં ૩ થી વધુની તિવ્રતાના ૪ આંચકા નોંધાયા છે.