વલસાડમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, મોટી જાનહાની ટળી
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આગ લાગવાના અનેક બનાવો સામે આવ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા જ અમદાવાદના પીરાણા ખાતે પીપળજ રોડ પર આવેલ એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી જેને લઈને વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં વલસાડમાં પણ એક આગ લાગવાની ઘટના સામે આવી છે.
વલસાડના ગુંદલાવ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી. પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં વિકરાળ આગ લાગી જેને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાયો. ઘટનાની જાણ થતા વલસાડ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવાના પ્રયાસ હાથ ધર્યા. સલામતીના ભાગ રૂપે આસપાસના વિસ્તારના લોકોને સાવચેત કરી સલામત સ્થળે ખસેડાયા.