મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં ચક્રવાતી વાવાઝોડાએ કહેર સર્જી
મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં આવેલા ચક્રવાતી વાવાઝોડાએ હોનારત સર્જી છે. અત્યારસુધીમાં આ વાવાઝોડાએ ૪૭ ગામમાં ૧૦૦૦ થી વધુ મકાનોને નુકસાન પહોંચાડ્યું છે. ૧૦૦૦ થી વધારે લોકો બેઘર બની ગયા છે. જોકે હજુ સુધી આ વાવાઝોડામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રાહત કાર્ય ચાલુ છે પણ અવિરત વરસાદને કારણે સ્થિતિ કાબૂમાં આવી રહી નથી. મેઘાલયમાં છેલ્લા ૩ દિવસથી ભારે વરસાદ બાદ ભારે પવન સાથેના વાવાઝોડા બાદ હવે વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો છે. આ સાથે પશ્ચિમ ગારો પર્વત, દક્ષિણ પશ્ચિમ ખાસી પર્વત અને પૂર્વ જૈંતિયા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ હળવા મધ્યમ વરસાદ પડશે. પૂર્વોત્તરનાં અન્ય રાજ્યો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેઘાલયના સીએમ કોનરાડ સંગમાના સંપર્કમાં છે અને અધિકારીઓ પાસેથી સતત અપડેટ લઈ રહ્યા છે. તેમણે કેન્દ્ર તરફથી રાજ્યને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. વાવાઝોડામાં બીડીઓ ઓફિસ અને પશુ ચિકિત્સાલય સહિત અનેક સરકારી મિલકતો અને એક શાળાને નુકસાન થયું હતું.
જિલ્લા ડેપ્યુટી કમિશનરે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તાકીદની બેઠક બોલાવી છે. ભારતીય હવામાન વિભાગ એ આગામી ૫ દિવસ સુધી દેશનાં પૂર્વોત્તર રાજ્યો સહિત પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. એનું કારણ નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરો પર બંગાળની ખાડીથી ઉત્તર-પૂર્વીય રાજ્યો સુધીના દક્ષિણ-પશ્ચિમી ભારે પવનોની અસર છે અને નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરો પર દબાણને કારણે, ચક્રવાતી વાવાઝોડું પશ્ચિમી આસામ અને પડોશી રાજ્યોમાં આવી શકે છે. દેશના દક્ષિણમાં હવામાનમાં પલટો આવતાં આગામી ૭૨ કલાકમાં ભારે વરસાદની શક્યતા છે.