ગીર ગઢડાના બે ગામના બે ખેતરોમાં ઘઉંના પાકમાં આગ લાગી

ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના સોનપરા અને બોડીદર ગામના બે ખેતરોમાં ઘઉના ઉભા પાકમાં આગ લાગી હતી. ખેતર ઉપરથી પસાર થતી વીજલાઈનમાંથી તણખો ખરતા આ આગ લાગી હતી. જેથી બન્ને ખેતરો મળી કુલ ૧૧ વીઘામાં લહેરાતો ઘઉનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. જેને લઈ ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ ઘટનાના લીધે ખેડૂતની વર્ષભરની મહેનત એળે ગઈ હોવાથી સત્વરે વળતર ચુકવવા ગુહાર કરવામાં આવી છે. આ બંને ઘટના ગીરગઢડાના સોનપરા અને બોડીદર ગામના ખેતરમાં બની હોવા ઉપરાંત છાશવારે આવી રીતે ખેતરોમાં આગ લાગવાની ઘટના બની રહી છે જેથી ખેડૂતો બેહાલ બની ગયા છે.

ગીર ગઢડા તાલુકાના ડોળાસા ગામે હજુ તો બે દિવસ પહેલા જ એક ગરીબ ખેડૂતના અઢી વીઘાના ઘઉંના પાક પર વીજ પોલ પરથી તણખો ખરતા સંપુર્ણ પાક બળીને ખાખ થઈ ગયો હતો. જેની આગ હજુ ઠંડી પડે તે પહેલા આવી જ બે આગની ઘટનાઓ તાલુકાના અન્ય બે ગામોમાં બની છે. જેમાં તાલુકાના સોનપરા ગામની સીમમાં ખેડૂત જેરામગીરી પ્રેમગીરીની ૫ વીઘા ખેતીની જમીન આવેલી છે. જે પૈકી ચાર વીઘા જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યુ હતું. તો આ વર્ષે સારી માવજતના કારણે ઘઉંનો પાક પણ સારો હોવાથી ભાવ સારો મળવાની ખેડૂતેઆશા સેવી હતી. પર આ ખેડૂતના નસીબમાં કંઇક જુદુ લખ્યુ હોય તેમ તેના ખેતરના શેઢેથી ૧૧ કેવીની લાઈનના વીજ વાયરો પસાર થાય છે. જે ગત વર્ષે આવેલા વાવાઝોડાના કારણે ઢીલા પડી ગયા હતા. જેથી આ બાબતે અનેકવાર વીજ તંત્રને રજૂઆત કરી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. આ દરમિયાન ગઈકાલે સાંજના સમયે વીજ વાયરોમાંથી તણખા ખરીને નીચે ખેતરમાં લહેરાતા ઘઉના પાક ઉપર પડતા એકાએક આગ ભભુકી ઉઠી હતી. જેમાં સંપૂર્ણ પાક બળીને ખાખ થઈ ગયો હતો. આ સમયે આગને ઠારવા માટે આસપાસના તમામ ખેડૂતોએ દોડી આવી પ્રયાસ હાથ ધર્યો હતો. જેથી બે કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જોકે, ત્યાં સુધીમાં ચાર વીઘામાં તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે આ ખેડૂતે લાગતા વળગતા અધિકારીઓને ઘટનાની ફરીયાદ કરી છે.

આગની બીજી ઘટના પણ ગીરગઢડા તાલુકાના બોડીદર ગામે બની હતી. જેમાં ગામની સીમમાં બોડીદરમાં જ રહેતા ખેડૂત દિપુભાઈ ગોવિંદભાઈ પરમારનું સીમમાં દસેક વીઘાનું ખેતર આવેલું છે. જેમાં ૭ વીઘામાં તેમના દ્વારા ઘઉંના પાકનું વાવેતર કરાયેલ જે હાલ તૈયાર થઈ ગયો હોય ખેતરમાં લહેરાતો હતો. આ દરમિયાન ગઈકાલે બપોરના સમયે ખેતર ઉપરથી પસાર થતી વીજ વિભાગની લાઈનમાંથી કોઈ કારણોસર તણખા ઝરવા લાગ્યા હતા. જે નીચે લહેરાતા ઘઉંના પાક પર પડતા આગ ભભૂકી ઉઠી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના લીધે ૭ વીઘામાં લહેરાતો ઘઉંનો પાક સંપૂર્ણ બળીને ખાખ થઈ જતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

વીજ વાયરોના કારણે આગ લાગી હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો હતો. ગીરગઢડા પંથકમાં વારંવાર ખેતરોમાં વીજ વાયરોના કારણે આગ લાગવાની ઘટનાઓથી ખેડૂતોની મહેનત પર પાણી ફેરવાય જવાની સાથે આર્થીક નુકસાની સહન કરવી પડતી હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ત્યારે આવી ઘટનાઓ રોકવા વીજ વિભાગ ઘટતી કાર્યવાહી કરે અને આગની ઘટનાથી અસરગ્રસ્ત બનતા ખેડૂતોને રાજ્ય સરકાર વળતર રૂપી સહાય કરે તેવી સોનપરા ગામના સરપંચ ઉમેશ વાઢેર દ્વારા માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news