ગાંધીનગર સિવિલમાં ઈન્ડોર બિલ્ડીંગમાં આગ લાગતા અફરાતફરી
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમા આવેલી ઇન્ડોર બિલ્ડીંગમા ગત મોડી રાત્રે લાગેલી આગની જવાળા ત્રણ માળ સુધી ફેલાતા અફરાતફરી મચી ગઈ હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઠમા માળે સ્ત્રી મેડીસીન વોર્ડમા દાખલ દર્દીના સગા દ્વારા લોબીમા બીડી પીતા પીતા તેને સળગતી હાલતમા ઇન્ડોર બિલ્ડીંગના ડક્ટમા પંખીઓના માળામા નાખતા આઠમા માળે આગની જવાળાઓ જોવા મળી હતી. જેને લઇને સ્થાનિક કર્મચારીઓએ સત્તાધિશો અને ફાયર વિભાગને જાણ કરવામા આવી હતી. તેની સાથે વોર્ડમા રહેલા દર્દીઓને શિફ્ટ કરવાનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યારે ફાયર બ્રિગેડની ટીમે સિવિલમાં આવીને તપાસ કરતા વોર્ડ નંબર ૭ અને ૮ માળમા આગની જ્વાળાઓ જોવા મળી હતી. જોકે આ દરમિયાન દર્દીના સગા અને સ્ટાફ દ્વારા ડોલો ભરીને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગ ઉપર કાબૂ મેળવતા મોટી જાનહાનિ ટળી હતી.
આગ લાગવાના કારણ અંગે ફાયરના અધિકારીએ જણાવ્યુ હતુ કે, આગ લાગવાનુ પ્રાથમિક કારણ જોવા મળતુ હતુ કે, ડક્ટ એરીયામા કબુતર દ્વારા માળા બનાવવામા આવ્યા છે જેમા સુકી સળિયો વધારે પ્રમાણમા જોવા મળતી હોય છે.
તે ઉપરાંત ડક્ટ એરીયા બનાવેલા છે પરિણામે કોઇ દર્દી અથવા વ્યક્તિ દ્વારા આ એરિયામાં સળગતી બીડી નાખી હોવાના કારણે આગ લાગી હોય તેવી શક્રયતા છે.ઉલ્લેખનિય છેકે, જો આગ વધારે લાગી હોત તો ઇલેક્ટ્રીસીટીના કારણે અનેક ખાનાખરાબી જોવા મળી હોત, પરંતુ ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગ ઉપર કાબૂ મેળવતા મોટી જાનહાનિ ટળી હતી. સિવિલની ઇન્ડોર બિલ્ડીંગમા આવતા લાગતા વોર્ડ ૮૦૧મા રહેલા ૩ પુરુષ દર્દીને વોર્ડ ૮૦૨માં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વોર્ડ ૪૦૨મા સારવાર લેતી ૬ મહિલા દર્દીને વોર્ડ ૪૦૧માં ખસેડવામા આવી હતી.