૧૮ લાખના ખેરના લાકડા સાથે એકની ધરપકડ કરતી દાદરાનગર ક્રાઈમ બ્રાન્ચ
વલસાડ: દાદરા નગર હવેલી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ખેરના ૧૧ ટન લાકડા ભરેલો ટેમ્પો કબજે કર્યો છે અને એક આરોપીને ઝડપી પાડ્યો છે. સૂત્રો અનુસાર દાદરા નગર હવેલીના એસપી હરેશ્વર સ્વામીના દિશાનિર્દેશમા સેલવાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સેલવાસ રિંગ રોડ ઉપર ટેમ્પો નંબર એમએચ-૦૪-જીકે-૯૨૮૬ને અટકાવી ચેક કરતા ટેમ્પમાંથી પાસ પરમીટ વગરના ૧૧ ટન ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. ૧૧ ટન ખેરના લાકડા ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર તરફ લઇ જવાઈ રહ્યો હોવાનુ જણાઈ આવ્યું હતું. ટેમ્પો ચાલક શિવકુમાર ગાળા રાજભરની ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રાથમિક પૂછપરછ કરતા ટેમ્પામાં ખેરના લાકડા હોવાની વાતથી તે અજાણ હોવાનું રટણ કરી રહ્યો હતો. આ ટેમ્પો શિવકુમારને કોઈએ જણાવેલ એડ્રેસ પર મૂકી આવવા જણાવ્યું હતું. તેણે ઝણાવ્યું હતું કે તેને એ નથી ખબર કે આ ટેમ્પોમા શુ ભર્યું છે. નોંધનીય છે કે આરોપી ચાલક પવઈ મુંબઈનો રહીશ છે ટેમ્પો તેમજ ખેરના લાકડા અંદાજીત રૂ. ૧૮ લાખની કિંમતનાં છે. પોલીસ વિભાગે મુદ્દામાલ ઝડપી દાદરા નગર હવેલી વન વિભાગને કેસ સોંપ્યો છે. વન વિભાગની સાથે સેલવાસ પોલીસે ખેરના લાકડાની તસ્કરીની વધુ માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરી છે.