મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી
મુંબઈમાં આજે મહત્તમ તાપમાન ૨૯ અને લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. બીજી તરફ, પુણેમાં મહત્તમ તાપમાન ૨૮ અને લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ત્યારે હાલ ભરશિયાળે વરસાદની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા ગુરુવાર સુધી વિદર્ભના નાગપુર, વર્ધા, ચંદ્રપુર, યવતમાલ, ગોંદિયા, ભંડારા અને ગઢચિરોલી જિલ્લાઓ માટે ‘યલો’ એલર્ટ જાહેર કર્યુ છે. નાગપુરના હવામાન કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એમએલ સાહુએ જણાવ્યુ હતુ કે, વિદર્ભમાં વરસાદ હરિયાણા અને ઉત્તર મધ્યપ્રદેશ પર ચક્રવાતી પવનોને કારણે છે.
આ સિવાય IMDએ પણ દિવસ દરમિયાન નાગપુર અને વર્ધા જિલ્લામાં કરા પડવાની આગાહી કરી છે.ભારતીય હવામાન વિભાગએ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે. વરસાદની સાથે આ વિસ્તારોમાં ઠંડી વધવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નાગપુર સહિત પૂર્વ વિદર્ભના ઘણા જિલ્લાઓમાં મંગળવારે વરસાદ સાથે કરા પડ્યા હતા. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. આથી આગામી દિવસોમાં વરસાદની સંભાવનાને પગલે વિદર્ભ પ્રદેશના ઘણા શહેરોમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ, પુણે, થાણે સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. મુંબઈ-થાણે સહિત ઉત્તર મહારાષ્ટ્રમાં તાપમાનમાં આ ઘટાડો આગામી બે દિવસ સુધી ચાલુ રહેશે. નાગપુર અને વિદર્ભ ક્ષેત્રના અન્ય ભાગોમાં પણ ઠંડીમાં વધારો થયો છે. આ સાથે આજે પણ મહારાષ્ટ્રના અનેક સ્થળોએ વાદળછાયું આકાશ રહેશે.હાલ વરસાદની આગાહીને પગલે જગતના તાત પર ચિંતાના વાદળો ઘેરાયા છે.