સચિન ગેસ લીકેજ દુર્ઘટનાઃ ટેન્કરમાંથી ખુલ્લી જગ્યાએ કેટલાક કેમિકલને ડમ્પ કરાયાની તપાસ એજન્સીને આશંકા
સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગુરૂવારે સવારે એક કંપનીમાં ગેસ લીક થવાથી 6 લોકોના મોત થયા છે અને 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી સાત વેન્ટિલેટર પર ગંભીર હાલતમાં છે.
સચિન જીઆઈડીસી ગેસ લીકેજ દુર્ઘટનામાં તપાસ એજન્સીઓને આશંકા છે કે ટેન્કરમાંથી ખુલ્લી જગ્યાએ કેટલાક કેમિકલને ગેરકાયદેસર રીતે ડમ્પ કરવામાં આવી રહ્યું હતું, જેના પછી ગેસ સ્થાનિક વિસ્તારમાં ફેલાઈ રહ્યો હતો. આ ઘટના વિશ્વપ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ્સ પાસે સચિન જીઆઈડીસીના રોડ નંબર 3 પર વહેલી સવારે બની હતા. તમામ મૃતકો એક જ મિલના કર્મચારી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે ઘટનામાં ખરેખર શું બન્યું તે જાણવા તપાસ શરૂ કરી છે. ગેસ લીકેજ થતાં ટેન્કરનો ડ્રાઈવર અને ક્લીનર પણ બેભાન થયા હતા, એકવાર તેઓ ભાનમાં આવી જશે તો પોલીસ તેમની પૂછપરછ કરશે. મોટાભાગના પીડિતોમાં એવા મજૂરોનો સમાવેશ થાય છે જેઓ કાપડની મિલમાં કામ કરે છે અને જ્યારે તેઓ જમીન પર બેભાન થવા લાગ્યા ત્યારે તેઓ નાઈટ ડ્યૂટી પર હતા. રસ્તાના કિનારે સૂઈ રહેલા કેટલાક મજૂરો પણ બેભાન થઈ ગયા હતા.
સુરતના જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પોલીસ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ફાયર બ્રિગેડની એક ટીમ તપાસ કરી રહી છે.’