ધરોઈ ડેમમાં ગત વર્ષ કરતા આ વર્ષે પાણી ઓછું, સિંચાઈ માટે કાપ મુકાયો
ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચતા ત્રણ જિલ્લાની જીવાદોર સમાન ગણાતા ધરોઈ ડેમમાં પણ પ્રતિદિન પાણીમાં ઘટ નોંધાઇ રહી છે. ઉપરવાસમાં પણ વરસાદ ખેંચતા હવે ઉત્તર ગુજરાત માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. ઓગસ્ટ માસ પૂરો થવા આવ્યો હોવા છતાં પૂરતો વરસાદ ન આવતા ઉત્તર ગુજરાતમાંના જળાશયોમાં પાણીની ઘટ નોંધાઇ રહી છે.મહેસાણા જિલ્લાના સતલાસણા પાસે આવેલા ધરોઈ ડેમમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદ વિના દિન-પ્રતિદિન ખાલી થઈ રહ્યો છે.
ઉત્તર ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ ખેંચતા ઉપરવાસમાં પણ આજ સ્થિતિ રહેતા ધરોઈમાં નવા નીર આવી શક્ય નથી. જેના કારણે ધરોઈ ડેમમાં હાલમાં માત્ર પીવા માટેના પાણીનો જથ્થો ઉપલબ્ધ રખાયો છે. સિંચાઈ માટે હાલમાં ધરોઈ ડેમમાંથી આપવામાં આવતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા ના એક હજારથી વધુ ગામડા અને શહેર ને પીવાનું પાણી પૂરું પાડનાર ડેમ છે. ચાલુ વર્ષ દરમિયાન ચોમાસુ ખેચાતા ધરોઈ ડેમનું લેવલ નીચું ગયું છે. ધરોઈ ડેમમાં રોજ માત્ર એક જ સેન્ટિમીટર પાણીનો ઘટાડો નોંધાઇ રહ્યો છે. આગામી સમયમાં જો વરસાદ આમ જ હાથતાળી આપશે તો ઉત્તર ગુજરાત પર જળ સંકટ સર્જાઈ શકે છે.
ઉત્તર ગુજરાતમાં હાલમાં અત્યાર સુધીમાં ૫૩.૩૫% જેટલા વરસાદની ઘટ સર્જાઈ છેમ જેના કારણે ઉપરવાસમાં આજ સ્થિતિ સર્જાતા ધરોઈ ડેમમાં નવા નીર ન આવતા સિંચાઈમાં આપવામાં આવતા પાણી પર ઉનાળા બાદ કાપ મૂકી દેવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ધરોઈ ડેમમાં હાલમાં માત્ર પીવાના પાણીમાં વપરાય એટલો જ જથ્થો મોજુદ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. જેથી હાલમાં સિંચાઈ માટે પાણી છોડવાનું કોઈ આયોજન ના હોવાના કારણે સિંચાઈનો પણ પ્રશ્ન ઉભો થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.ધરોઈ ડેમમાં ગત વર્ષ આજની સરખામણીમાં પાણીની સ્થિતિ જોઈએ તો પાણીનું લેવલ ૧૮૫.૬૨૫ હતું અને ૬૧૩.૮૯ ફૂટ પાણીની સપાટી હતી. જ્યારે આ વર્ષે આજની તારીખમાં ધરોઈ ડેમનું લેવલ ૧૮૨.૬૧૫ અને ૫૯૯.૧૨ ફૂટ પાણીની સપાટી નોંધાઇ હતી.
હાલમાં ગઈ સાલ કરતા ધરોઈ ડેમમાં ૧૪ ફૂટ પાણી ઓછું નોંધાઇ રહ્યું છે.વરસાદ ખેચાતા સમગ્ર ગુજરાતમાં પાણીને લઈને પ્રશ્ન ઉદભવી રહ્યા છે. મોટાભાગના જિલ્લામાં જળ સંકટના એંધાણ જોવા મળી રહ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન એવા ધરોઈ ડેમનું પાણી ત્રણ જિલ્લાના એક હજારથી વધુ ગામડા લમાં આપવામાં આવી રહ્યું છે. હાલમાં રોજનું ૨૦૦ એમએલડી પાણી પીવા માટે આપવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક અધિકારીઓ જણાવી રહ્યા છે.