પોરબંદર: પોરબંદર રાણાવાવની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત થતા 6 મજૂરોના મોત
પોરબંદર નજીકના રાણાવાવ સ્થિતિ હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ચીમનીના રીપેરીંગ કામ દરમિયાન અક્સ્માત સર્જાયો હતો. આ મોટી દુર્ઘટનામાં પાંચથી છ મજુરો દટાયા હોવાની આશંકા છે અને દટાયેલા આ મજુરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે પોરબંદર કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સત્વરે રાહત અન બચાવ કામગીરી માટે સૂચના આપી હતી.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની હાથી સિમેન્ટ ફેકટરીમાં પિસ્તાલીસેક ફુટ ઉંચી ચીમનીમાં રીપેરીંગ કામ ચાલતું હતું. રીપેરીંગ કામ માટે ચીમનીના અંદરના ભાગમાં ત્રાપા ટેકાનો માચડો બાંધવામાં આવ્યો હતો. આ માચડો આજે બપોરના સમયે એકાએક ધડાકાભેર તુટી પડતા અંદર રીપેરીંગ કામ કરતા પાંચથી છ મજુરો દટાયા હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે. બપોરની ઘટના બેએક કલાક બાદ જાહેર કરાઈ હોવાનું જાણવા મળેલ છે. ત્યાં સુધી ફેકટરીના સંચાલકો અને અધિકારીઓ દ્વારા પોતાની રીતે બચાવ કામગીરી કરી હતી. પરંતુ કોઇ જ રસ્તો ન મળતા અંતે તંત્રનું શરણું લેવું પડ્યું હતું.
ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને આ દુર્ઘટનામાં બચાવ રાહત અને સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા મદદ માટેની સૂચના આપી છે.