પોરબંદરમાં ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર આવતા કોંગી નેતાઓએ આળોટીને નોંધાવ્યો વિરોધ
મંગળવારે શહેરમાં વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આથી, વરસાદના પાણી રસ્તામાં ભરાઈ ગયા હતા, ત્યારે પોરબંદરના મુખ્ય વિસ્તારમાં વરસાદના પાણીનો પણ નિકાલ ન થતો હોવાથી ગટરનું પાણી અને વરસાદનું પાણી ભેગું થતા લોકોને મુશ્કેલી થઈ રહી છે. આથી, ભૂગર્ભ ગટર યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો સાથે કોંગ્રેસે મુખ્યપ્રધાન પાસે તપાસની માંગ કરી હતી. આ ઉપરાંત, કોંગ્રેસના નેતાઓએ શહેરના સુદામાં ચોક ખાતે ભરાયેલા પાણીમાં બેસીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
પોરબંદર શહેરમાં ભૂગર્ભગટર યોજના પૂર્ણ થઇ ગઇ છે, પરંતુ ભૂગર્ભ ગટર યોજનામાં મોટાપાયે સત્તાધીશોએ બેદરકારી દાખવતા વરસાદના પાણીનો નિકાલ થઈ શક્યો ન હોવાથી ભૂગર્ભ ગટરમાંથી પાણી બહાર આવી રસ્તા પર વરસાદના પાણી સાથે ભળી ગયું હોવાનો પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન રામદેવ મોઢવાડિયા અને નાથા ઓડેદરાએ સરકાર પર આક્ષેપો કર્યા છે. આ ઉપરાંત, તેમણે જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટર યોજનામાં અને સાંઢીયા ગટરમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. મુખ્યપ્રધાન દ્વારા જવાબદાર સતાધીશો ઉપર આ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ આગેવાને કરી હતી.