વેન્ટિલેશન વગરના રૂમમાં હવા દ્વારા દૂર સુધી ફેલાઈ શકે છે કોરોનાઃ અભ્યાસમાં દાવો
કોરોના વાયરસ પર અનેક અભ્યાસ કરવામાં આવેલા છે. તેમાં દાવાઓ અલગ અલગ હોય છે પરંતુ આ વાયરસના સ્વરૂપને સમજવા માટે તે ઉપયોગી સાબિત થાય છે. ભારતમાં સીએસઆઇઆર દ્વારા પણ એક અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમણે કોરોના હવા દ્વારા ફેલાઈ શકે કે નહીં તે જાણવા પ્રયત્ન કર્યો હતો.
સીએસઆઇઆરના અભ્યાસ પ્રમાણે કોરોના હવા દ્વારા ફેલાઈ શકે છે પરંતુ જો રૂમમાં વેન્ટિલેશન સારૂ હોય તો આ જોખમ ઘટી શકે છે. અભ્યાસ પ્રમાણે જે રૂમોમાં વેન્ટિલેશન ન હોય ત્યાં કોરોના હવા દ્વારા વધુ દૂર સુધી ટ્રાવેલ કરી શકે છે.
અભ્યાસ પ્રમાણે નેચરલ એનવાયરમેન્ટ કન્ડિશનમાં કોરોના વાયરસ વધુ દૂર સુધી ટ્રાવેલ નથી કરતો, તેમાં પણ જો દર્દીમાં કોઈ લક્ષણો ન હોય તો આ જોખમનું પ્રમાણ વધુ ઘટે છે. જોકે અભ્યાસમાં કોરોનાના ઈનડોર ટ્રાન્સમિશન પર સૌથી વધારે ભાર આપવામાં આવ્યો છે. કોરોના બંધ રૂમમાં હવા દ્વારા ફેલાઈ શકે કે નહીં તે જાણવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે અભ્યાસમાં બે પાસાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. પહેલું કે જો રૂમમાં બારીઓ ખોલી દેવામાં આવે તો કોરોના ટ્રાન્સમિશન ઘટાડી શકાય. ફક્ત વેન્ટિલેશન પર ધ્યાન આપવાથી જ જોખમ અડધું થઈ શકે છે.
સ્ટડીમાં બીજું પાસું એ છે કે, બંધ રૂમમાં કોરોના ફેલાવાનું જોખમ ક્યારે વધી શકે છે. અભ્યાસ પ્રમાણે જો બંધ રૂમમાં કોવિડના દર્દીઓની સંખ્યા વધારે હોય તો હવા દ્વારા બીજી વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે. હકીકતે CSIR દ્વારા કોવિડ અને બિનકોવિડ, આઈસીયુ અને નોન આઈસીયુ રૂમની હવાના સેમ્પલનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંધ રૂમમાં ઉપસ્થિત કોવિડના દર્દીઓ પર તેનો પ્રયોગ થયો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, જો બંધ રૂમમાં કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધારે હોય તો હવા દ્વારા બીજા સુધી સંક્રમણ પહોંચવાની શક્યતા વધુ રહે છે. પરંતુ જો રૂમનું વેન્ટિલેશન યોગ્ય કરી દેવામાં આવે તો તે જોખમ ઘટાડી શકાય છે.