કોરોનાનો પ્રકોપ સાથે નવી ઉપાધી, અમદાવાદમાં ‘યલો એલર્ટ’, ૪૪ ડિગ્રીએ જશે તાપમાન

રાજ્યમાં એકતરફ કોરોના મહામારી સતત વધી રહી છે. દૈનિક ૧૪ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે હવે કાળઝાળ ગરમીનું પણ આગમન થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડીગ્રીથી વધારે છે, જ્યારે આજે અમદાવાદમાં તાપમાન ૪૪ ડીગ્રી સુધી પહોંચી શકે છે. જેથી હવામાન વિભાગે અમદાવાદને યલો અલર્ટ જાહેર કર્યું છે. ગરમીની સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના છે.

રાજ્યમાં ગરમી તેમજ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ સહિતનાં કેટલાંક શહેરોમાં ગરમીનું પ્રમાણ ૩થી ૪ ડીગ્રી સુધી વધી શકે છે, એટલે કે તાપમાન ૪૧ ડીગ્રીથી વધી ૪૩થી ૪૪ ડીગ્રી સુધી પહોંચી શકે છે. બીજી તરફ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી, વલસાડ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં તાપમાન ૪૪ ડીગ્રી સુધી પહોંચી શકે છે, જે સતત ૬થી ૭ વર્ષથી બની રહ્યું છે, જ્યારે એપ્રિલ મહિનામાં અમદાવાદી આટલી ગરમી સહન કરે છે. આવી કાળઝાળ ગરમીને કારણે હોસ્પિટલોની બહાર દર્દીઓ તેમજ સ્વજનો કોરોનાની સારવાર માટે લાઈન લગાવીને બેસી રહેવા મજબૂર બન્યા છે.

આજે સૌથી વધુ ગરમી ભુજમાં નોંધાઈ છે. ભુજમાં આજે તાપમાન ૪૨.૪ ડીગ્રીએ પહોંચ્યું છે. ત્યાર બાદ બીજા નંબર પર ગાંધીનગર આવે છે, જ્યાં તાપમાન ૪૨ ડીગ્રી નોંધાયું છે. ડીસામાં ૪૧.૮ ડીગ્રી, વડોદરામાં ૪૧.૬ ડીગ્રી, રાજકોટમાં ૪૧ ડીગ્રી, અમદાવાદમાં ૪૧ ડીગ્રી, સુરતમાં ૪૦.૮ ડીગ્રી, ભાવનગરમાં ૪૦.૬ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news