કોરોનાએ મચાવ્યો હાહાકારઃ ૨.૧૬ લાખ નવા કેસ
માત્ર ૧૦ દિવસમાં ડબલ થઇ ગયા કેસ, ભારતમાં અમેરિકા કરતાં પણ સ્થિતિ ભયંકર
દેશમાં કોરોનાવાયરસથી પરિસ્થિતિને સતત ખરાબ થતી જઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં રેકોર્ડ ૨ લાખ ૧૬ હજાર ૬૪૨ કેસ નોંધાયા છે. ગયા વર્ષે સંક્રમણની શરૂઆતથી અત્યારસુધીમાં આ આંકડો એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસનો છે. આ દરમિયાન ૧ લાખ ૧૭ હજાર ૮૨૫ લોકો પણ સ્વસ્થ થયા, જ્યારે ૧૧૮૨ દર્દીનાં મોત થયાં હતાં.
ભારતમાં અમેરિકા કરતાં પણ ખરાબ સ્થિતિ થઈ રહી હોવાનું આંકડાં દર્શાવે છે. ભારતને એક લાખ કેસમાંથી બે લાખ કેસ સુધી પહોંચતા માત્ર ૧૦ દિવસ થયા હતા. તેની સામે અમેરિકાને એક લાખ કેસમાંથી બે લાખ કેસ સુધી પહોંચતા ૨૦ દિવસનો સમય લાગ્યો હતો.
ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ૧૫ લાખને પાર થઈ ગઈ છે. હવે અહીં ૧૫ લાખ ૬૩ હજાર ૫૮૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આના દ્વારા તમે દેશમાં કોરોનાના કહેરનું અનુમાન પણ લગાવી શકો છો. એવું કહેવામાં આવે છે કે વિશ્વના ટોપ-૨૦ સંક્રમિત શહેરોની યાદીમાં ભારતનાં ૧૫ શહેરોનો સમાવેશ થાય છે. પુણે આ યાદીમાં ટોપ પર છે, જ્યારે મુંબઈ બીજા નંબરે છે. સ્થિતિ એવી એ છે કે દેશના ૧૨૦ જેટલા જિલ્લાઓમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર જેવી સુવિધાઓની અછત પડી રહી છે.
દેશમાં સૌથી વધુ ૬૧,૬૯૫ નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ઉત્તરપ્રદેશ બીજા નંબરે રહ્યું. અહીં ૨૨,૩૩૯ લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. દિલ્હીમાં ૧૬,૬૯૯, છત્તીસગઢમાં ૧૫,૨૫૬, કર્ણાટકમાં ૧૪,૭૩૮ અને મધ્યપ્રદેશમાં ૧૦,૧૬૬ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં ૬૧,૬૯૫ નવા દર્દી મળી આવ્યા હતા. ૫૩,૩૩૫ દર્દી સ્વસ્થ થયા અને ૩૪૯ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં ૩૬.૩૯ લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી ૨૯.૫૯ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૫૯,૧૫૩ મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ ૬.૨૦ લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
ઉત્તરપ્રદેશમાં ૨૨,૩૩૯ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૪,૨૨૨ લોકો સાજા થયા અને ૧૦૪ લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં ૭.૬૬ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી ૬.૨૭ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૯,૪૮૦ દર્દી મૃત્યુ પામ્યા હતા. ૧.૨૯ લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.
દિલ્હીમાં ૧૬,૬૯૯ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. ૧૩,૦૧૪ લોકો સ્વસ્થ થયા અને ૧૧૨ લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં ૭.૮૪ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી ૭.૧૮ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૧૧૧,૬૫૨ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં ૫૪,૩૦૯ દર્દી સારવાર લઈ રહ્યા છે.
છત્તીસગઢમાં ૧૫,૨૫૬ લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ દરમિયાન ૯,૬૪૩ લોકો સાજા થયા અને ૧૦૫ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં ૧.૨૧ લાખ લોકોની સારવાર ચાલી રહી છે. કુલ ૩.૭૪ લાખ લોકો સાજા થયા છે, જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૪૪૨ પર પહોંચી ગયો છે.
મધ્યપ્રદેશમાં ૧૦,૧૬૬ લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. ૩,૯૭૦ લોકો સાજા થયા અને ૫૩ લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં ૩.૭૩ લાખ લોકો મહામારીની ઝપેટ આવી ચૂક્યા છે, તેમાંથી ૩.૧૩ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૪,૩૬૫ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો. ૫૫,૬૯૪ દર્દી સારવાર લઈ રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાના ૮,૧૫૨ કેસ નોંધાયા હતા. ૩,૦૨૩ લોકો સ્વસ્થ થયા અને ૮૧ લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં ૩.૭૫ લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી ૩.૨૬ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૫,૦૭૬ દર્દી મૃત્યુ પામ્યા હતા. અહીં ૪૪,૨૯૮ દર્દી સારવાર લઈ રહ્યા છે.