મુંબઇમાં કોરોના હોસ્પિટલમાં આગ ભભૂકીઃ ૧૦ના મોત
ચોથા માળે આવેલી હોસ્પિટલમાંથી ૭૦ દર્દીઓનું રેસ્ક્યૂ કરાતા જીવ બચ્યા, આગ લાગી ત્યારે કોરોના ૭૬ દર્દી સારવાર લઇ રહ્યાં હતા
કોરોનાની સૌથી ભયંકર સ્થિતિનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના મુંબઈમાં આગની એક ગોઝારી ઘટનાએ ૧૦ લોકોના જીવ લીધા છે. મુંબઈના ભાંડુપમાં કોરોના હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠતા ૧૦ દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં આવેલા ડ્રીમ મોલમાં ત્રીજા માળે આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. ૧૨ કલાકથી આ આગ પર કાબુ મેળવી શકાયો નથી.
કોવિડ હોસ્પિટલાં જ્યારે આગ લાગી તે સમયે હોસ્પિટલમાં ૭૦થી વધુ દર્દીઓ હતા. જેમાં મોટા ભાગના કોરોનાના દર્દીઓ હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ મદદ માટે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા દર્દીઓને બચાવી લેવાની કામગીરી ચાલી રહી છે.
મુખ્યમંત્રી ઠાકરેએ મૃતકોના પરિજનો માટે ૫ લાખની સહાયની પણ જાહેરાત કરી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની પણ તકેદારી રાખવાની વાત કરી. તેમણે કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે જે કોઈનો પણ દોષ હશે તેમને સજા કરવામાંઆવશે. હું છેલ્લા એક વર્ષથી કોરોનાની સામે લડી રહ્યો છું. જ્યારે રાજ્યમાં મહામારી ત્રાટકી ત્યારે ખૂબ જ ઓછા બેડ અને વેન્ટિલેટર્સ હતા પરંતુ અમે અમારી લડત ચાલુ રાખી અને હંગામી હોસ્પિટલ ઊભી કરી દીધી.
આગને લઈને મુંબઇના મેયરે કહ્યું હતું, કે હજુ સુધી આગ કયા કારણોસર લાગી તેની માહિતી પ્રાપ્ત થઈ નથી. મેં મોલમાં પહેલીવાર કોઈ હોસ્પિટલ જાેઇ છે, જવાબદારો સામે સખ્ત પગલાં લેવામાં આવશે. આગ લાગવાના કારણે ૧૦ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. હોસ્પિટલના જે હિસ્સામાં આગ લાગી હતી ત્યાં ૧૨ કલાક બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. ૨૦થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
આ હોસ્પિટલમાં કોરોના સંક્રમિતો સહિત ૭૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો હાલ ઘટના સ્થળ પર હાજર છે, સાથે સાથે પોલીસનો પણ કાફલો પહોંચ્યો છે .તેમજ હોસ્પિટલમાં રહેલા તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
આગમાં ફસાયેલા ૯૦થી ૯૫ ટકા દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે તેમ છતાં મૃતકઆંક હજુ ઉંચો જઈ શકે છે. આગ લાગવાનું કારણ જાણવા તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ હોસ્પિટલમાં ૭૬ દર્દીઓ દાખલ હતા જેમાંથી ૭૩ કોરોનાથી સંક્રમિત હતા.
મુંબઈના મેયર કિશોરી પેડનેકરે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનું નીરિક્ષણ કર્યું હતું અને મોલમાં આ પ્રકારને હોસ્પિટલ કાર્યરત હોવા અંગે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. મેયરના જણાવ્યા મુજબ તેમણે મોલમાં કોઈ હોસ્પિટલ ચાલતી હોય તેવું પ્રથમ વખત જાેયું છે. તમામ જવાબદારો સામે પગલાં લેવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પહેલા ગત વર્ષે ૨૭ નવેમ્બરના રોજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં એક કોવિડ હોસ્પીટલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ કોરોનાના દર્દીઓના મૃત્યુ થયા હતા. હોસ્પિટલમાં ૩૩ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી હતી. મશીનરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કારણ જણાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે તપાસના આદેશ આપ્યા હતા.