ગુજરાતમાં ઘણા શહેરોમાં ૧૫ માર્ચ પછી ૪૦ ડિગ્રીને પાર જવાની આગાહી
ગુજરાતમાં ધીમે-ધીમે ગરમીમાં વધારો થઇ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ ૧૫ માર્ચથી રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી શકે છે. બુદવારે રાજ્યના ૧૨ શહેરોમાં ગરમીનો પારો ૩૬ને ઉપર રહ્યો હતો. તેમાંથી ૫ શહેરોમાં તો ૩૭ ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં તાપમાન ૨.૮ ડિગ્રી વધીને ગરમીનો પારો ૩૬.૮ ડિગ્રી પર પહોંચ્યો છે. ૩૭.૮ ડિગ્રી સાથે મહુવા સૌથી ગરમ રહ્યો. જ્યારે નલિયામાં ઠંડીનો વર્તારો હજુ યથાવત છે. ત્યાં રાજ્યમાં સૌથી ઓછી ગરમી રેકોર્ડ થઇ.
બુધવારે નલિયામાં તાપમાન ૧૦.૨ ડિગ્રી રહ્યો. રાજ્યમાં આજથી ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના ૧૨ શહેરોમાં ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મહુવા બાદ સુરેન્દ્રનગરમાં ૩૭.૩ ગરમી નોંધાઇ. વડોદરા અને અમરેલીમાં પારો ૩૭.૨ ડિગ્રીએ હતો. તો ભૂજમાં ગરમી ૩૭ ડિગ્રી નોંધાઇ. તે સિવાય રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી હતો. હવામાન વિભાગ આ પહેલા જ ગરમીને લઈને પૂર્વાનુમાન જાહેર કરી ચૂક્યું છે. જે પ્રમાણે ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપસમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતા જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.
માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. પરંતુ સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુનો વર્તારો થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.