ઉનાળાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં જળસંકટની વિકટ સ્થિતિ, ૪ જિલ્લામાં ત્રાહીમામ
ઉનાળાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાં જળસંકટની વિકટ પરિસ્થિતિ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસું સારું હોવા છતાં જળાશયોમાં પાણીનો જથ્થો તળિયે દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ૧૪૦ જળાશયો ખાલીખમ થવાની તૈયારીમાં દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સિંચાઈ વિભાગ હસ્તકનાં ૧૪૦ ડેમોમાં ૩૦થી ૩૫ ટકા સુધી ખાલી થઈ ગયા છે. સૌથી વધુ કપરી સ્થિતિ દેવભૂમિ દ્રારકા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર જિલ્લાની છે. ગત વર્ષની સરખામણીએ હાલ પાણીનો જથ્થો ખુબ જ ઓછો દેખાઈ રહ્યો છે. દ્વારકામાં ૨૯%,પોરબંદરમાં હાલ ૩૫% પાણીનો લાઈવ જથ્થો છે, જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૧.૮૮%, જામનગરમાં ૪૫% જથ્થો, રાજકોટ જિલ્લામાં ૫૨.૧૭% પાણીનો જથ્થો સંગ્રહિત છે.
ઉનાળાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાં જળ સંકટ જેવી પરિસ્થિતિ સર્જાતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રના ૧૪૦ જળાશયો ખાલીખમ થવાની તૈયારીઓમાં છે. સિંચાઈ આધારિત ડેમમાંથી ચારેક મહિનાથી પાણી છોડાતાં ૩૦થી ૩૫ ટકા જ પાણી બચ્યું છે. તેમાં સૌથી વધુ કપરી પરિસ્થિતિ ૪ જિલ્લામાં ઉભી થઈ છે. દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લાની કપરી પરિસ્થિતિ છે. પુષ્કળ વરસાદ છતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં પાણીનો જથ્થો ઓછો હોવાનું અનુમાન છે. રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાનાં અનેક જળાશયો એક કરતા વધુ વખત ઓવરફલો થયા હતા.
સારા વરસાદથી આ વર્ષે ઉનાળુ પાક અને લોકોને પીવાની પાણીની તંગી નહિ રહે તેવી ધારણા રાખવામાં આવી હતી પરંતુ ઉનાળાનાં આરંભે જળાશયોમાં પાણીનું ચિત્ર ચિંતા ઉપજાવે તેવુ છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસામાં મેઘરાજાએ મહેર કરતા મોટા ભાગનાં ડેમોમાં ૯૫ ટકા કરતા વધુ પાણીનો જથ્થો ઠલવાઈ ગયો હતો. સિંચાઈ વિભાગનાં સૂત્રોનાં જણાંવ્યા મુજબ સૌરાષ્ટ્રનાં ૧૪૦ મોટા ડેમોમાં હાલ માત્ર ૧૪૦૨ એમસીએમ પાણીનો જથ્થો બચ્યો છે. તેને ટકાવારીમાં જોઈએ તો કુલ સંગ્રહ શકિતનાં માત્ર ૫૫ ટકા જ પાણીનો જથ્થો હાલ છે જે ગત વર્ષ કરતા ઓછો છે. હજુ આકરા ઉનાળાનાં ત્રણ મહિના કાઢવાનાં બાકી છે. પાણીની ઘટથી આ વર્ષે ઉનાળુ વાવેતર પણ ઘટયુ છે.